સચિન-હજીરા રોડ પર મગદલ્લા તાપી બ્રિજ ઉતરતી વખતે અચાનક યુ-ટર્ન લેનાર થ્રી વ્હીલ ટેમ્પો ચાલકને બચાવવા જતા ચાલકે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા ટ્રક રોડની વચ્ચેના ક્રેશ બેરીયર તોડી ડિવાઇડર પર ચઢી જતા અંદાજે ૫૮ મીટરના મેટલ બીમ કેશ બેરીયર તોડી નાંખ્યા હતા.
સચિન-હજીરા રોડ પર મગદલ્લા તાપી બ્રિજ પરથી ટ્રક નં. જીજે-૫ ઍસપી-૭૨૦૦ ગત બપોરે હજીરા તરફ જઇ રહી હતી. ત્યારે મગદલ્લા તાપી બ્રિજ હજીરા તરફ જવાના નાકા પર ઇન્ડિયન ઓઇલ કંપનીના પેટ્રોલ પંપ પાસેથી ઍક થ્રી વ્હીલ ટેમ્પોના ચાલકે અચાનક યુ ટર્ન લીધો હતો. જેથી ટેમ્પો ચાલકને બચાવવા માટે પાંડેસરાની જય અંબે સોસાયટીમાં રહેતો ટ્રક ચાલક અજય ગુણવંત પાટીલે અચાનક ટ્રકની બ્રેક મારતા સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને ટ્રક રોડની વચ્ચે લગાવેલા ક્રેશ બેરીયર તોડી ડિવાઇડર ઉપર ચઢી જતા અંદાજે ૫૮ મીટરથી વધુ મેટલ બીમ કેશ બેરીયર તોડી નાંખ્યા હતા અને ટ્રક ડિવાઇડર પર ચઢી ગઇ હતી. મેટલ બીમ કેશ બેરીયર તૂટી જતા અંદાજે રૂ. ૧.૭૪ લાખનું નુકશાન થયું હતું. જો કે સદ્દનસીબે કોઇ જાનહાનિ થઇ ન હતી. ઘટના અંગે પલસાણા બલેશ્વર ગામના માછીવાડ ફળિયામાં રહેતા ૨૮ વર્ષીય હાઇવે પેટ્રોલીંગ ઓફિસર અક્ષય કિશોર ઢીમ્મરે ટ્રક ચાલક વિરૂધ્ધ ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.