
રિંગરોડની મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટમાં શ્રી મહાવીર સાડી નામની દુકાન ધરાવતા દુકાનદારે ઍક વેપારી પાસેથી રૂ. ૬૭ લાખ ૮૩ હજારથી વધુની સાડીઓ ખરીદી કર્યા બાદ તેના રૂપિયા નહીં ચૂકવવાની ફરિયાદ સલાબતપુરા પોલીસ મથકે નોધાઈ છે.
વેસુની અગ્રવાલ સ્કૂલ પાસેના સ્વપિ્નલ પેલેસ ખાતે રહેતા રાજીવ ઘીસાલાલ જૈન મહાવીર સાડીઝ અને અતિવીર ડિઝાઇન નામથી કાપડનો ધંધો કરે છે. તેમની પાસેથી પરવત પાટીયાના મોડલ ટાઉનશિપ પાસે આવેલ વૃંદાવન કોમ્પલેક્સમાં રહેતા અને રિંગરોડની મીલેનિયમ માર્કેટમાં મહાવીર સાડી નામની દુકાન ધરાવતા વેપારી રાહુલ વિનોદ જૈને સન ૨૦૧૯ના ફેબ્રુઆરી મહીનાથી ક્રેડિટ ઉપર જથ્થાબંધ સાડીઓ ખરીદી કરી હતી અને આ સાડી ખરીદીના રૂ. ૬૭ લાખ ૮૩ હજારથી વધુનું પેમેન્ટ નહીં કરીને રાતોરાત તેની દુકાન બંધ કરી રૂપિયા આપવામાંથી હાથ ઊંચા કરી દીધા હતાં. મીલેનિયમ માર્કેટના ઠગ વેપારી રાહુલ જૈનની છેતરપિંડીનો ભોગ બનેલા રાજીવ જૈને સલાબતપુરા પોલીસ મથકે ફરિયાદ નોધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.