સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં વહેલી સવારે બે કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ સર્વત્ર પાણી ભરાઈ ગયા હતાં. તે દરમિયાન ઓલપાડના અરિયાણા ગામના ઍક ખેતરમાં ટ્રેક્ટરમાં ઍક યુવક ફસાઈ જતાં ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડનાં જવાનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. ટ્રેક્ટરમાં ખેડૂતના બંને પગ ફસાઈ જતાં તેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. કલાકોની જહેમત બાદ ગંભીર હાલતમાં યુવકને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડાયો હતો.
ઓલપાડ તાલુકાના વહેલી સવારે ધોધમાર વરસાદ પડવાના કારણે ખેતરો અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. તે દરમિયાન ઓલપાડના અરિયાણા ગામમાં રહેતા ૩૩ વર્ષીય મનોજભાઈ પીરજીભાઈ રાઠોડ ટ્રેક્ટર લઈને ખેતરમાં ખેતી કરવા ગયા હતાં, પરંતુ ખેતરમાં કામ કરતી વખતે અચાનક મનોજભાઈના બંને પગ ટ્રેક્ટરના મશીનમાં ફસાઈ ગયા હતાં. જેથી મનોજભાઈ બહાર નીકળે તેની કોઈ શક્યતા ન હતી. છેવટે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયરનાં જવાનોઍ સાધનો સાથે ઘટનાસ્થળે દોડી આવ્યા હતાં. મનોજભાઈને બહાર કાઢવા માટે કટરથી ટ્રેક્ટરનું મશીન કાપવાની નોબત આવી હતી. જાકે, બંને પગ ફસાઈ જવાના કારણે મનોજભાઈ ગંભીર રીતે ઘવાયા હતાં. કલાકોની જહેમત બાદ ફાયર બ્રિગેડે મનોજને બહાર કાઢી ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડ્યો હતો.