
અડાજણની સીકે વીલા સોસાયટીમાં રહેતા ખેડૂત તેજસ પટેલને ત્યાં ત્રણ લોકો પાલિકાના કર્મચારી હોવાનું કહી પાણીની ટાંકી ચેક કરવા આવ્યા હતા. ત્રણેયે પાલિકાનો યુનિફોર્મ પહેર્યો હતો ઍટલું જ નહિ પાલિકાનો આઈકાર્ડ પણ હતો. આથી ખેડૂત ત્રણેય સાથે ટાંકી ચેક કરવા ગયા હતા. પછી ત્રણેય ત્યાંથી નીકળી ગયા હતા. બીજી તરફ તેજસ પટેલ પણ ઘરેથી કોઈ કામ અર્થે નીકળી ગયા હતા. જયારે ઘરમાં માત્ર મહિલાઓ હતી.
ત્યારબાદ ત્રણેય બદમાશોઍ થોડીવારમાં પાછા તેમના ઘરે આવ્યા હતા અને ગાર્ડનમાં ચેક કરવાની વાત કરી હતી. મહિલાને પણ ઍવું હતું કે પાલિકાના કર્મચારીઓ છે ઍટલે તેમણે પણ જવા દીધા હતા. ગાર્ડન ચેક કરવાના બહાને ઍક ગેટ પર બીજો ગાર્ડનમાં અને ત્રીજો વચ્ચે ઉભો રહયો હતો. આ દરમિયાનમાં ઍક ઈસમે તેના સાગરિત સાથે મહિલાનું ગળું દબાવી ઘેની પદાર્થ સુઘડાવી બેભાન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે મહિલાઍ પહેલા તો બેભાન થઈ હોવાનું નાટક કરી થોડીવારમાં ઊભી થઈને બહાર દોડી બૂમાબૂમ કરી દીધી હતી. જેના કારણે આજુબાજુના લોકો દોડી આવતા ત્રણેય લૂંટારૂઓ ત્યાંથી ભાગી ગયા હતા. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ અંગે અડાજણ પોલીસે માત્ર અરજી લઈને તપાસ શરૂ કરી છે.