સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રેડ ઍલર્ટ જાહેર કરાતા તંત્રઍ સતર્ક બની બચાવની તમામ કામગીરી હાથ ધરી છે. ઓલપાડ, નવસારી, માંગરોળ, વલસાડમાં ઍનડીઆરઍફ અને ઍસડીઆરઍફની ટીમો તૈનાત કરવામાં આવી છે. જાકે, મધરાત્રે સુરત સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ બુધવારે વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી ઝાપટા પડવાની સ્થિતિ યથાવત રહી છે. રાત્રિના ૧૨થી લઈ બપોરના ૧૨ વાગ્યા સુધી માંડવીમાં સાડા પાંચ ઇંચ, ઉમરપાડામાં સાડા ચાર ઇંચ, બારડોલીમાં અઢી ઇંચ અને સુરત શહેરમાં દોઢ ઇંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતાં. છેલ્લાં ૧૪ દિવસથી વરસેલા વરસાદને કારણે જનજીવન પર તેની માઠી અસર જાવા મળી રહી છે.
સુરત શહેર સહિત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક અનુભવાઈ છે. છેલ્લાં ૧૪ દિવસથી ઍકધારી વરસેલા વરસાદને કારણે જનજીવન પર તેની અસર વર્તાઈ રહી છે. રસ્તાઓની હાલત ખરાબ થઈ જવા પામી છે. જાકે, સુરત સહિત દક્ષિણ ગુજરાતને રેડ ઍલર્ટ જાહેર કર્યા બાદ વરસાદની ઇનિંગ પણ ધુઆંધાર જાવા મળી રહી છે. રાત્રિના ૧૨થી લઈ સવારના છ વાગ્યા સુધી સુરત સહિત જિલ્લામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. પરિણામે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં, પરંતુ સવારના 6થી લઈ બપોરના ૧૨ વાગ્યા સુધીમાં માત્ર વરસાદી ઝાપટાં પડ્યા હતાં. જેથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઉતરી ગયા હતાં. છેલ્લાં ૧૨ કલાકમાં ઉમરપાડામાં ૧૧૨ મિમી, ચોર્યાસીમાં ૧૯ મિમી, કામરેજમાં ૪૦ મિમી, ઓલપાડમાં ૩૬ મિમી, પલસાણા ૪૦ મિમી, બારડોલી ૬૩ મિમી, મહુવા ૧૦૫ મિમી, માંગરોળ ૫૩ મિમી, માંડવી ૧૩૬ મિમી અને સુરત શહેરમાં ૩૨ મિમી વરસાદ પડ્યો છે. જ્યારે સુરત શહેરના વિવિધ ઝોન પૈકી રાંદેર ઝોનમાં ૪ મિમિ તથા ઉધનામાં ૩ અને અઠવા-વરાછા ઍ, કતારગામ સહિતના ઝોનમાં ૨-૨ મિમિ વરસાદ નોધાયો છે. જો કે વરસાદી માહોલને જોતા ભારે વરસાદ પડવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. આ ઉપરાંત શહેરમાંથી વહેતી પાંચ ખાડીઓનાં લેવલ પણ ભયજનક સપાટીથી નીચે છે.