આકાશમાં વરસતી આફતમાં સૌથી વધુ પ્રભાવિત નવસારીની મદદે સુરત પાલિકાઍ વધુ ટીમ રવાના કરી છે. નવસારીમાં હાલ આરોગ્ય, પાણી, ડ્રેનેજ અને સફાઈ સાથે રોડની જરુરિયાત સૌથી વધુ હોય આ તમામ કામગીરી માટે સુરત મ્યુનિસિપલના ઉચ્ચ અધિકારીઓ અને વાહન સાથે ૨૦૦ કર્મચારીઓની ફોજ લઈને પાલિકાની ટીમ પહોંચી છે.
છેલ્લા બે દિવસથી નવસારીના અનેક વિસ્તાર નદીના પુરમાં ગરક થઈ ગયાં છે હજી પણ નેક જગ્યાઍ પાણી છે તો કેટલીક જગ્યાઍ પાણી ઓસરી રહ્ના છે. આવા સમયે નવસારી વિસ્તારમાં સફાઇની તાકીદની જરૂરિયાત છે. પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફેલાઈ તે માટે સફાઈ જરુરી છે. અનેક પુરનો માર ખમી ચૂકેલી સુરત પાલિકાને પુર ઓસર્યા બાદ સફાઈ અને આરોગ્યની કામગીરીને બહોળો અનુભવ છે. તેના કારણે સુરત મ્યુનિસિપલના આરોગ્ય વિભાગના ડે. કમિશનર ડો.આશિષ નાયક તથા ચાર નાયબ આરોગ્ય અધિકારી અને સફાઈ કામદાર અને બેલદારની ટીમ નવસારી પહોંચી છે. આવી જ રીતે હાઈડ્રોલિક વિભાગના વડાં અક્ષય પંડ્યા, ડ્રેનેજ વિભાગના વડા જયેશ ચૌહાણ અને રોડ વિભાગના વડાં બી.આર.ભટ્ટને પણ નવસારી મોકલવામાં આવ્યા છે. હાલમાં નવસારીમાં સફાઈની સાથે પીવાના પાણી, ડ્રેનેજની સફાઈ અને રસ્તાની કામગીરીની તાતી જરૂરિયાત છે. તેને ધ્યાને રાખીને સુરત પાલિકાઍ ૨૦૦ જેટલા સફાઈ કામદારો અને બેલદાર નવસારી પહોંચ્યા છે. નવસારી ખાતેની સફાઈ માટે પાલિકાની ટીમ સાથે ગલ્પર મશીન, ૧૦ જેટલા જે.સી.બી. ૧૨ ટ્રક, જેટીંગ મશીન સહિતના અનેક વાહનો પણ મોકલ્યા છે. ગઈકાલે પહોંચેલી ફાયર વિભાગની ટીમે રાહત અને બચાવ કામગીરી શરૂ કરી હતી આજે સવારે આ ટીમ પહોંચવાની સાથે જ કામગીરી શરુ કરી દીધી છે. આ ઉપરાંત પાલિકાઍ વધુ ટીમની જરૂર પડે તો તેને માટે પણ તૈયારી બતાવી છે