![](https://suratchannel.in/wp-content/uploads/2022/07/Still0718_00002.bmp)
સુરત ટેક્સટાઇલ માર્કેટના અલગ-અલગ કાપડ વેપારીઓ પાસેથી રૂ. ૫.૦૭ કરોડથી વધુનો કાપડ ખરીદી છેતરપિંડી કરનાર ત્રણ આરોપીઓને ઈકો સેલે ઝડપી પાડી પાંજરે પૂર્યા છે.
કતારગામ લલિતા ચોકડી સ્થિત કંતેશ્વર સોસાયટીમાં રહેતા હરેશભાઈ મગનભાઈ દોમડિયા ઉધના ખાતે બ્રહ્માણી જરી નામથી ગ્રે કાપડનો વેપાર કરે છે. ઍક વર્ષ અગાઉ માર્કેટ વિસ્તારમાં કાપડ દલાલી કરતા રાજકુમાર ભંડારીઍ હરેશભાઈનો સંપર્ક કર્યો હતો. પોતાની પાસે મોટી પાર્ટીઓ છે. જા તમે મારી સાથે વેપાર-ધંધો કરશો તો સારો ઍવો નફો થશે, તેવી લોભામણી વાતો કરી પોતાના ઝાંસામાં લીધો હતો. ત્યારબાદ ઋષભ ક્રિઍશનનાં પ્રોપ્રાઇટર ભરત માંગીલાલ કોઠારી અને સિદ્ધેશ્વર ઍન્ટરપ્રાઇઝનાં પ્રોપ્રાઇટર કિશન ગણેશ પટેલ નામના વેપારીઓની ઓળખ આપી તેમની સાથે વેપાર-ધંધાની શરૂઆત કરી હતી. આ ત્રણેય જણાંઍ હરેશભાઈ સહિત માર્કેટનાં અલગ-અલગ વીવર્સ પાસેથી વેપારી ધારા-ધોરણ મુજબ પૈસા ચૂકવી દેવાની બાંહેધરી આપી કરોડો રૂપિયાનો કાપડનો માલ ખરીદ્યો હતો. આમ ત્રણેય જણાંઍ કુલ રૂ. ૫ કરોડ ૭ લાખ ૯૩ હજાર ૬૧૮ના ગ્રે કાપડના માલની ચૂકવણી કર્યા વગર ઉઠમણું કર્યું હતું. આ સંદર્ભે ડીસીબી પોલીસ મથકમાં ફરિયાદ નોધાઈ હતી. પોલીસે ગુનો નોધી ઇકો સેલને તપાસ સોપી હતી. ઈકો સેલે આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. દરમિયાન દલાલ રાજકુમાર ભંડારીઍ અગાઉ પણ સુરતના માર્કેટમાં આ પ્રકારે વિશ્વાસઘાત કર્યા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે ત્રણ અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન પોલીસે બાતમીના આધારે ખટોદરા, અલથાણ સ્થિત વાસ્તુ ડિસ્કવરીમાં રહેતા કિશન ગણેશ પટેલ, પરવત પાટીયા અક્ષર ટાઉનશિપમાં રહેતા ભરત માંગીલાલ કોઠારી અને અડાજણ, દીપા કોમ્પલેક્સના વિમલ વિલામાં રહેતા કાપડ દલાલ રાજકુમાર ભંડારીને ઝડપી પાડ્યો હતો. પોલીસે ત્રણેય જણાંની પૂછપરછ કરતાં માર્કેટના અલગ-અલગ વેપારીઓ પાસેથી શરૂઆતમાં માલ લઈ પૈસા ચૂકવી વિશ્વાસ સંપાદન કરતા હતાં અને ત્યારબાદ મોટા પ્રમાણમાં ગ્રે કાપડનો જથ્થો ખરીદી પૈસાની ચૂકવણી ન કરતા હોવાની કબૂલાત કરી છે. રાજકુમાર ભંડારી અગાઉ મહિધરપુરા, કોસંબા અને સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીનાં ગુનામાં પકડાઈ ચૂક્યો છે.