
ભેસ્તાન આવાસ ખાતે આવેલી આંગણવાડી નજીકથી કોરેક્સ નામની ખાંસીની દવાની ખાલી બોટલો મળી આવતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. આ દવાનો ઉપયોગ નશાખોરો ઠંડા પીણામાં નાંખીને સેવન કરવા માટે કરે છે.
ભેસ્તાન આવાસ, પાંજરાપોળ પાસે આવેલી આંગણવાડી દિવાલ નજીકથી ૩૦૦થી વધુ કોરેક્સ નામની ખાંસીની દવાની ખાલી બોટલો મળી આવી છે. જેની જાણ ગુલશન ટ્રસ્ટને થતાં તેઓ દોડી આવ્યા હતાં અને ખાલી બોટલ ભરેલો થેલોનો કબજે લીધો હતો. કોરેક્સ નામની ખાંસીની દવા નશાખોરો ઠંડા પીણામાં નાંખી તેનું સેવન કરે છે. થોડા દિવસ અગાઉ ઍસઓજીઍ પણ મેડિકલ સ્ટોર પર રેડ કરી હતી. જેથી કોઈ મેડિકલવાળાઍ ખાંસીની સિરપ કાઢી લઈ ખાલી બોટલો ફેકી દેવાની આશંકા જણાઈ રહી છે. આ કોરેક્સ નામની ખાંસીની દવા ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર મળતી નથી. આટલી મોટી માત્રામાં કોરેક્સ દવાની ખાલી બોટલો મળી આવતા અનેક સવાલો ઊભા થયા છે.