ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સુરતની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કતારગામ, આંબા તલાવડી ખાતે આવેલ સમસ્ત પાટીદાર સમાજની વાડી ખાતે વિધાનસભાની યોજાનાર ચૂંટણીના મુદ્દે મહત્ત્વની જાહેરાત કરી હતી.
\આમ આદમી પાર્ટીનાં રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે પક્ષના કાર્યકર્તાઓ સાથે ચૂંટણીલક્ષી બેઠક યોજ્યા બાદ કરેલી મહત્ત્વની જાહેરાતમાં દિલ્હી અને પંજાબ સરકારની જેમ ગુજરાતમાં પણ તેમના પક્ષની સરકાર આવશે તો ત્રણ મહિનામાં ગુજરાતમાં ૩૦૦ યુનિટ સુધી ફ્રીમાં વિજળી આપવામાં આવશે, તેમજ ૨૦૨૧ પહેલાના વીજ કંપનીનાં તમામ બાકી બિલો માફ કરવામાં આવશે તેવી જાહેરાત કરી હતી અને ગુજરાતમાં ચાલી રહેલ ભ્રષ્ટાચાર દૂર કરી નાગરિકોને તમામ પાયાની સુવિધાઓ તેમજ શ્રેષ્ઠ શિક્ષણ આપવાની જાહેરાત કરી હતી. કેજરીવાલની આ સભામાં દક્ષિણ ગુજરાતના રાજકીય અને સહકારી અગ્રણીઓ આમ આદમી પાર્ટીમાં જાડાતા તેમને આવકાર આપવામાં આવ્યો હતો.