૨૬મી જુલાઈઍ દેશભરમાં કારગીલ વિજય દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે રાષ્ટ્રીય સેવામાં હંમેશા અગ્રેસર સુરત શહેરમાં કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવે છે. ઉજવણીમાં દેશની સેવા કરતા શહીદ થયેલા ૧૨ જવાનોના પરિવારને સન્માનિત કરવામાં આવ્યા હતા.
જય જવાન નાગરિક સમિતિ સુરત તરફથી વિર જવાનોને ભાવાંજલી અને સમર્પણ ગૌરવ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ છે. તે ઉપરાંત પુષ્પાંજલી, ત્રિરંગા યાત્રા, મેગા રક્તદાન શિબિર અને સરંગી કલાંજલીનું પણ આયોજન થયું છે. કારગીલ યુધ્ધ ૧૯૯૯માં ગુજરાતના ૧૨ સહિત રાષ્ટ્રના ૫૨૭ વિર જવાનો વિરગતિ પામ્યા છે.સુરતની જનતાની રાષ્ટ્રીયભાવનાની કદરરૂપે ભારતીય સેનાઍ નિવૃત મીગ-૨૩ ફાઈટર પ્લેન ભેટ આપેલ છે. વરાછા રોડ સરથાણા ખાતે આ વિમાન મુકેલ છે. ત્યાં સવારે ૮.૫૫ કલાકે વિરજવાનોને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર પટેલ યુવા ટીમ, યુવા સંસ્કૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ અને સુ-સંસ્કાર દીપ યુવા મંડળના સંયુક્ત આયોજનમાં શહીદ જવાનોના પરિવારજનો, આર્મીના અધિકારીશ્રીઓ તથા મહાનુભાવોની હાજરીમાં વિરજવાનોને પુષ્પાંજલી અર્પણ કરવામાં આવી છે.વિરજવાનોને ભાવાંજલી અને શહીદ જવાનોના પરિવારોને વિશેષ રાષ્ટ્રીયભાવ સાથે માન આપવા રોટરી ક્લબ ઓફ સુરત ઈસ્ટ અને રોટ્રેક્ટ ક્લબ ઓફ સુરત ઈસ્ટ તરફથી ભવ્ય ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. મંગળવારે સવારે ૯.૩૦ કલાકે સરથાણા શહીદ સ્મારક ખાતેથી નીકળી વરાછા મેઈન રોડ ઉપરથી સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે પહોંચી હતી.