
મહારાષ્ટ્રીય સમાજની કુળદેવી કાનબાઈ માતાના વિસર્જન માટે નાવડી ઓવારા પર કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરી આપવા માટે પાલિકામાં આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી છે.
દર વર્ષની જેમ મહારાષ્ટ્રીય સમાજની કુળદેવી કાનબાઈ માતાની આગામી ૭ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ સ્થાપના થનાર છે. બે દિવસના આ પર્વમાં માતાજીની પ્રતિમા રૂપે ફક્ત શ્રીફળ મૂકવામાં આવે છે અને બે દિવસ પછી ધામધૂમથી કાનબાઈ માતાની વિસર્જન યાત્રા નીકળે છે અને નાવડી ઓવારે જઈ તમામ ભાવિક ભક્તો પૂજાઅર્ચના કરી ઘરે પરત ફરે છે. આમ, મહારાષ્ટ્રીય સમાજનું આ ઍક મોટું ધાર્મિક પર્વ છે અને તાપીમાં વિસર્જનની પરવાનગી નહીં હોવાથી ૮ ઓગસ્ટના રોજ કાનબાઈ માતાના વિસર્જન માટે કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરવા મહારાષ્ટ્રીય સમાજના લોકો દ્વારા માંગ કરવામાં આવી છે.