
ખટોદરા ખાતે ૧૫૦૦ વ્યાસની પાણી સપ્લાય લાઇનમાં લીકેજને રિપેર કરવા ગઇ તા. ૫મી જુલાઇથી હાથ ધરાયેલી કવાયત હેઠળ આગામી તા. ૨૭મી જુલાઇ બુધવારના રોજ મેગા ઓપરેશન હેઠળ શહેરના ૭૦ ટકા વિસ્તારોમાં શટડાઉન રહેશે. જેથી દૈનિક ૧૩૬૦ ઍમઍલડી પાણી સપ્લાય વ્યવસ્થા પણ ખોરંભે ચઢવાના લીધે સરેરાશ ૩૦ ટકા પાણી કાપની ભીતિ છે. હાઇડ્રોલિક વિભાગના ઓપરેશનના લીધે બુધવારે ૨૫ લાખ લોકોને પાણી મળશે નહીં.ઉધનાના ખરવરનગર જંકશન પાસેથી પસાર થતી ૧૫૨૪ મી.મી. વ્યાસની લાઈનમાં લીકેજ રીપેરીંગની કામગીરી સવારે ૮ વાગ્યાથી શરૂ કરાશે.
આ શટડાઉનને ધ્યાનમાં રાખી પાલિકાઍ વિવિધ લાઇન અને જળ વિતરણ મથક બંધ હોવાના લીધે જરૂરી જોડાણ કામગીરી પણ હાથ ધરાશે. વેસુ-૧ જળવિતરણ મથકથી વેસુ-૨ જળવિતરણ મથક સુધી જતી ૮૧૩ મી.મી. વ્યાસની ઍમ.ઍસ. લાઇન જોડાણની કામગીરી પણ તા.૨૭મીઍ કરાશે. જેમાં ઉધના ઝોન-ઍ વરાછા ઝોન, લિંબાયત, સેન્ટ્રલ ઝોન અને અઠવામાં પાણી સપ્લાય સુવિધાને અસર થશે.બુધવારે લીકેજ રિપેરિંગના બાદ ટાંકીઓ ભરવાનું શરૂ કરાશે. ગુરૂવારે ઉધના ઉધોગનગર સંધ જળ વિતરણ મથક હેઠળ સવારનો સપ્લાય અંશતઃ મળશે. ખાસ કરીને મોરારજી વસાહત, તિવારી નગર, ઉધના અને ઉધ્યોગનગર સંધ વિસ્તારમાં પાણી કાપ રહેશે. અઠવા ઝોનના અલથાણ તથા ખટોદરા જળ વિતરણ મથક હેઠળના અંબાનગર, ભટાર ચાર રસ્તાથી સોસીયો સર્કલ તેમજ નવી સિવિલ સુધીનો ઉત્તર તરફનો વિસ્તાર, મજુરા, ઘોડદોડ, મજુરાગેટ, તથા અઠવાલાઈન્સમાં પાણી કાપની અસર રહેશે.