રેલવે પોલીસે ૧૧ મહિના દરમિયાન રૂ. ૨૧ લાખ ૬૨ હજારની ૨૩ હજાર ૩૬૬ નંગ દારૂની બોટલ ઝડપી પાડવાના પ્રકરણમાં નામદાર કોર્ટે તેને નાશ કરવાનો હુકમ કર્યો હતો. જેના પગલે રેલવે પોલીસના અધિકારીઍ ઉધના ડેપો ખાતે ૨૩ હજારથી વધુ દારૂની બોટલ ઉપર બુલડોઝર ફેરવી દારૂનો નાશ કર્યો હતો.
સુરત રેલવે પોલીસની હદમાં સપ્ટેમ્બર ૨૦૨૧થી જુલાઈ ૨૦૨૨ દરમિયાન પોલીસે અલગ-અલગ સ્થળો પરથી મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ દારૂનો જથ્થો નાશ કરવા માટે નામદાર કોર્ટે રેલવે પોલીસને મંજૂરી આપી હતી. રેલવે પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓઍ શુક્રવારે ઉધના ડેપોમાં રૂ. ૨૧ લાખ ૬૨ હજાર ૨૧૩ની કિંમતની ૨૩ હજાર ૩૬૬ નંગ દારૂની બોટલ ઉપર બુલડોઝર ફેરવી તેનો નાશ કર્યો હતો. આમ, ૧૧ મહિના દરમિયાન ઝડપાયેલા દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો. આ કામગીરી દરમિયાન મામલતદાર, રેલવે પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતાં.