સુરત: સુરતમાં અનેક નવા-નવા સ્ટાર્ટઅપ શરૂ થઈ રહ્યા છે પરંતુ ઇન્વેસ્ટરોનો અભાવ ક્યાંક ને ક્યાંક અવરોધ સાબિત થતા હોય છે. પરંતુ હવે એક એવું પ્લેટફોર્મ સુરતમાં લોન્ચ થયું છે કે જેના થકી લોકલ સ્ટાર્ટઅપની પહોંચ વૈશ્વિક ઇન્વેસ્ટરો સુધી થઈ શકશે. એટલે કે વૈશ્વિક રોકાણકારોને આકર્ષી લોકલ સ્ટાર્ટઅપને આગળ વધારી શકાશે. આ મહત્વપૂર્ણ પ્લેટફોર્મ ટાઈ ઇન્ડિયા એન્જલ દ્વારા પૂરૂ પાડવામાં આવી રહ્યું છે. આજ રોજ ટાઈ-સુરત દ્વારા અવધ ઉટોપિયા ખાતે ટાઈ ઇન્ડિયા એન્જલનું સુરત ચેપ્ટર શરુ કરવામાં આવ્યું હતું.
આ અંગે ટાઇ સુરતના પ્રેસિડેન્ટ કશ્યપ પંડયા એ જણાવ્યું હતું કે ટાઈ ઇન્ડિયા એ એક નોન-પ્રોફીટ ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન છે. જે મેન્ટરિંગ, નેટવર્કીંગ, એજ્યુકેશન, ફંડીંગ અને ઇન્ક્યુબેશન જેવા પ્રોગ્રામો દ્વારા સ્ટાર્ટઅપ ને આગળ જવા મદદરૂપ થાય છે. ટાઈ ઇન્ડિયા એન્જલ સુરતના ચેપ્ટર લીડ પુનિત મિત્તલ એ જણાવ્યું હતું કે સુરતના સ્ટાટઅર્પને પણ વૈશ્વિક રોકાણકારોનો અને ટાઈ ઇન્ડિયા એન્જલ સાથે જાડાયેલા ચાર્ટર સભ્યોનો લાભ મળે તે માટે ટાઈ-સુરત દ્વારા આજ રોજ ટાઈ ઇન્ડિયાનું પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું હતું. ટાઈ-ઈન્ડિયા એન્જલનું સુરત ખાતે પ્લેટફોર્મ શરૂ થતા હવે લોકલ સ્ટાર્ટઅપને વૈશ્વિક રોકાણકારો સાથે જ ટાઈ-ઇન્ડિયા એન્જલ સાથે જાડાયેલા વિવિધ ૨૪ ચેપ્ટરના સદસ્યો સામે રજૂ કરી શકાશે. જેનાથી લોકલ સ્ટાર્ટઅપને વૈશ્વિક રોકાણકારોનો સાથ મળવાથી સ્ટાર્ટઅપને આગળ વધારવાની સાથે જ લોકલ ઇકોનોમીને પણ વેગ આપી શકાશે.
લોન્ચિંગ કાર્યક્રમમાં ટાઈ-સુરતના ચાર્ટર મેમ્બરો ઉપસ્થિત રહ્યા હતા અને તેમને સ્ટાર્ટઅપમાં રોકાણ અંગે પોતાના અનુભવો રજૂ કર્યા હતા.