
રાંદેર રોડ રામનગર સ્થિત ગોકુલ રો હાઉસમાં રહેતા સિંચાઇ ખાતાના નિવૃત્ત એન્જિનીયર પત્ની સાથે નોઇડા ખાતે રહેતા પુત્રને ત્યાં રહેવા જતા તેમના બંધ ઘરને નિશાન બનાવી તસ્કરો સોનાના-ચાંદીના દાગીના અને રોકડ મળી કુલ રૂ. ૯.૮૯ લાખની મત્તા ચોરીને ફરાર થઇ જતા રાંદેર પોલીસ દોડતી થઇ ગઇ છે.
મૂળ એમપીના મુરૈના જિલ્લાના ન્યુ ટીટીનગરના મનોરમા રો-હાઉસના વતની અને હાલ રાંદેર રોડ રામનગર સ્થિત સરકારી વસાહત સામે ગોકુલ રો હાઉસમાં રહેતા સિંચાઇ ખાતાના નિવૃત્ત એન્જિનીયર અશોકકુમાર કાલીચરણ શર્મા ગત તા. ૬ઠી સપ્ટેમ્બરના રોજ નોઇડા ખાતે નોકરી કરતા એન્જિનીયર પુત્ર વિક્રમ અને તેની પત્નીને મળવા ગયા હતા. દરમિયાનમાં ૧૧ સપ્ટેમ્બરની મધરાતે તેમના બંધ ઘરને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મેઇન દરવાજાનો નકુચો તોડી અંદર ઘુસેલા તસ્કરોએ બેડરૂમનો સામાન વેરવિખેર કરી કબાટની તિજોરી તોડી તેમાંથી પુત્ર વિક્રમ અને પુત્રવધુ અંજલીના લગ્ન વખતના સોના અને ચાંદીના દાગીના મળી કુલ રૂ. ૯.૩૯ લાખના દાગીના અને રોકડા રૂ. ૫૦ હજાર મળી કુલ રૂ. ૯.૮૯ લાખની મત્તા ચોરીને ભાગી ગયા હતા. બીજા દિવસે સવારે ઘરનો નકુચો તૂટેલો નજરે પડતા પડોશીએ તુરંત જ અશોકભાઇને જાણ કરતા તેઓ નોઇડાથી પત્ની મનોરમા અને પુત્ર વિક્રમ સાથે સુરત દોડી આવ્યા હતા. ઘટના અંગે કંટ્રોલ રૂમમાં જાણ કરતા રાંદેર પોલીસ દોડી આવી હતી. પોલીસે ગુનો નોîધી વધુ તપાસ હાથ ધરી છે.