
રાજ્યમા સર્જાયેલા લઠ્ઠાકાંડ બાદ અન્ય શહેરોમાં દેશી-વિદેશી દારૂના અડ્ડાઓ પર પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ સુરત શહેરમાં સ્થાનિક પોલીસની કામગીરી સામે શંકા ઊભી થઈ રહી છે. સ્ટેટ મોનિટરિંગ સેલે શહેરમાં છાપો મારી સ્થાનિક પોલીસની પોલ ઉઘાડી પાડી છે. ડુમસ આભવા ગામના આમલી ફળિયામાં આવેલા એક મકાનમાં દેશી દારૂ બનાવવાના કારખાના પર છાપો મારી ૯ મહિલાઓને ઝડપી પાડ્યા હતાં, જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કર્યા છે.
સ્ટેટ મોનિટરિંગ સેલને બાતમી મળી હતી કે, આભવા ગામ આમલી ફળિયામાં આવેલા એક મકાનમાં દેશી દારૂ બનાવવાનું કારખાનું ધમધમી રહ્નાં છે. આ હકીકતના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે છાપો માર્યો હતો, ત્યારે આભવા ગામમાં રહેતા રેખા પટેલ, નીતા પટેલ, મીનાક્ષી પટેલ, સાવિત્રી પટેલ, વાસંતી પટેલ, રાજેશ્રી પટેલ, છાય પટેલ, નયના પટેલ અને જ્યોતિ પટેલ નામની મહિલાઓ દેશી દારૂ બનાવતા રંગેહાથ પકડાઈ ગયા હતાં. પોલીસે મકાનમાંથી રૂ. ૬ હજાર ૩૩૦ની કિંમતનું ૩૧૬ લીટર દેશી દારૂ, ૫૫૦ લીટર ગોળ-પાણીનું રસાયણ, પાંચ મોબાઈલ, બે બાઈક, એલ્યુમીનિયમના તગારા, ગેસની સગડી, ગેસનો બાટલો, કેરબા, ડોલ વગેરે મળી કુલ રૂ. ૪૪ હજાર ૮૨૦ની મત્તા કબજે કરી હતી. જ્યારે નાનુ પટેલ, દીપક કહાર અને મિતેશ કહાર નામના ત્રણ બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા છે.