
ભેસ્તાન આવાસ ખાતે ચાઇનીઝની લારીવાળાને ધાક ધમકી આપી હપ્તાની માંગણી કરી તોડફોડ કરવાના પ્રકરણમાં છેલ્લા બે મહિનાથી નાસતા ભાગતા આરોપીને ડિંડોલી પોલીસે ઝડપી પાડી પાંજરે પુર્યો છે.
ભેસ્તાન આવાસમાં રહેતા અને ત્યાં જ ચાઇનીઝની લારી ચલાવતા શરીફખાન પઠાણ અને તેના દિકરી ફહીમ તા.૧૪ – ૭ – ૨૦૨૨ ના રોજ લારી પર હાજર હતા. ત્યારે ભેસ્તાન આવાસમાં રહેતો અને માથાભારે અરબાઝ ઉર્ફે અરબાઝ બિલ્લી બસીરખાન પઠાણ નામનો યુવક તેમની લારીઓ આવ્યો હતો. ત્યારબાદ ચાઇનીઝ લીધા બાદ પૈસા ન આપતા ફહીમે તેની માંગણી કરી હતી. પરંતુ અરબાઝ ઉશ્કેરાઇ ગયો હતો. અને ફહીમને ગાળો આપી મારમારી ચાઇનીઝની લારી ચલાવવી હોય તો દર મહિને હપ્તો આપવો પડશે નહીં તો જાનથી મારી નાંખવાની ધમકી આપી ચાઇનીઝની લારીમાં તોડફોડ કરી ભાગી છુટ્યો હતો. આ બનાવ સંદર્ભે તેના પિતા શરીફખાને ડિંડોલી પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોધી નાસતા ભાગતા આરોપીને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. બે મહિના બાદ પોલીસે બાતમીના આધારે અરબાઝ પઠાણને ભેસ્તાન વિસ્તારમાંથી ઝડપી પાડ્યો હતો. અરબાઝ વિરૂદ્ધ ડિંડોલી પોલીસ મથકમાં અગાઉ ૮ જેટલાં ગુનાઓ નોધાઇ ચુક્યા છે.