ગોડાદરા દેવધ ગામ પાણીની ટાંકી પાસેથી પોલીસે બાતમીના આધારે દારૂ ભરેલા ટેમ્પા સાથે બે ખેપિયાઓને ઝડપી પાડી રૂ.૪.૬૦ લાખથી વધુની મત્તા કબ્જે કરી છે.
ગોડાદરા પોલીસને બાતમી મળી હતી કે દેવધ ગામ પાણીની ટાંકી પાસેના રોડ પરથી જીજે – ૨૧ – ડબલ્યુ – ૩૭૮૯ નંબરના ટેમ્પામાં દારૂનો જથ્થો લઇને બે ખેપિયાઓ પસાર થવાના છે. આ હકીકતના આધારે પોલીસે વોચ ગોઠવી ઉપરોકત નંબરનો ટેમ્પો આવતા તેને આંતરી લીધો હતો. ત્યારબાદ ટેમ્પામાં બેસેલા વ્યકિતઓની પુછપરછ કરતા મુળ રાજસ્થાન ભિલવાડાના વતની અને હાલ બારડોલી તાતીથૈયા સ્થિત રામદેવ સોસાયટીમાં રહેતો દુર્ગેશ મદનલાલ મેવાડા અને બારડોલી કડોદરા રોડ શ્રી નિવાસ રેસીડેન્સીની બાજુમાં રહેતો સાંવરીયાસીંહ ગોવર્ધનસીંહ રાવત હોવાનું જણાવ્યુ હતુ. ત્યારબાદ પોલીસે ટેમ્પાની તલાસી લેતાં અંદરથી રૂ.૩.૧૫ લાખની કિંમતની ૪,૫૧૨ નંગ દારૂના પાઉચો મળી આવ્યા હતા. પોલીસે આ અંગે પુછપરછ કરતા કડોદરા રોડ મેવાડા ભવનની પાસે પ્રિયંકા સોસાયટીમાં રહેતો અશોક મિસરીલાલ મેવાડા નામના બુટલેગરે દારૂનો જથ્થો ડિલીવરી અર્થે આપ્યો હતો. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી દારૂનો જથ્થો , ટેમ્પો , મોબાઇલ વગેરે મળી કુલ રૂ.૪.૬૦ લાખની મત્તા કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.