સુરતમાં દીકરા-દીકરીના લગ્નનું ભવ્ય આયોજન કરી આપવાના નામે છેતરપિંડી કરતા ઇવેન્ટ કંપનીના દેસાઈ દંપતીની સુરત ઇકો સેલ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ દંપતી દ્વારા સુરત શહેરના કુલ ૪૩ લોકો સાથે લગ્નનું આયોજન કરવાના નામે ઍડવાન્સ રૂપિયા લઈને બાદમાં વ્યવસ્થિત આયોજન ન કરી કુલ રૂ. ૨ કરોડ ૧૨ લાખ ૯૮ હજારની છેતરપિંડી કરાઈ હતી. જે અંગે સુરત ઇકો સેલમાં ફરિયાદ નોંધવામાં આવતા ઇકો સેલ દ્વારા દંપતીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજના સમયમાં કોઈ પણ ઘરમાં લગ્ન પ્રસંગ હોય ઍટલે ધામધૂમથી અને ભવ્ય રીતે લગ્નનું આયોજન કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. જેને લઈને લોકો આ રીતે લગ્નનું ભવ્ય આયોજન કરી આપનાર ઇવેન્ટ કંપનીનો સંપર્ક કરતા હોય છે અને ઇવેન્ટ કંપની દ્વારા મસમોટી રકમ લઈને ભવ્ય આયોજન પણ કરી આપવામાં આવતું હોય છે. પરંતુ કેટલાક ભેજાબાજો આ ઇવેન્ટ કંપનીની આડમાં પણ લોકો સાથે છેતરપિંડી કરી જાય છે. આવો જ ઍક કિસ્સો સુરત શહેરમાં સામે આવ્યો છે. સુરત શહેરના રાંદેર વિસ્તારમાં રહેતા પ્રતિક દેસાઈ અને ખ્યાતિ દેસાઈ દ્વારા દેસાઈ ઇવેન્ટ ઍન્ડ વેડિંગ મંત્રા નામની ઇવેન્ટ કંપની શરૂ કરાઈ હતી. આ કંપની મારફત શરૂઆતમાં તેમણે થોડા સારા આયોજનો કર્યા હતા. ત્યારબાદ છેલ્લા બે વર્ષથી માલેતુજાર લોકોનો સંપર્ક કરીને તેમના દીકરા કે દીકરીનો લગ્નનું ભવ્ય આયોજન કરી આપવાની વાત કરી ઍક બજેટ નક્કી કરતા હતા અને આયોજન પેટે ઍડવાન્સ રૂપિયા લઈ લેતા હતા. જો કે ત્યારબાદ વ્યવસ્થિત રીતે આયોજન ન કરી પરિવાર સાથે છેતરપિંડી કરતા હતા. આ પ્રકારે છેતરપિંડીનો ભોગ બનેલા સુરતના મહિધરપુરા વિસ્તારના ધર્મેશ સાદડીવાલા ઍ પોલીસમાં ફરિયાદ નોંધાવતા સમગ્ર ભોપાળુ બહાર આવ્યું હતું. આખરે ધર્મેશભાઈઍ સુરત પોલીસનો સહારો લીધો હતો. ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા ધર્મેશભાઈની જેમ અન્ય પણ ૪૩ લોકોઍ આ ઇવેન્ટ કંપની સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં આ દંપતી વિરુદ્ધ નેગોસીઍબલ ઇન્સ્ટ્રુમેન્ટ ઍક્ટ હેઠળ ફરિયાદો જોવા મળી હતી. આ તમામ ફરિયાદોના આધારે થયેલી છેતરપિંડીનો આંકડો મેળવતા આ આંકડો કુલ બે કરોડથી વધુનો થતો હતો. જેથી આ તપાસ સુરત પોલીસની ઇકો સેલને સોંપવામાં આવી હતી. ફરિયાદના આધારે ઇકો સેલે દેસાઈ ઇવેન્ટ કંપનીના સંચાલક ઍવા પ્રતિક દેસાઈ અને ખ્યાતિ દેસાઈની ધરપકડ કરી છે.