ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ અને ત્યાર બાદ લગભગ તમામ રાજકીય પાર્ટીના મુરતિયાઓ પણ જાહેર થઈ ગયા છે. હવે તમામ ઉમેદવારો પોતાનું ચૂંટણી ફોર્મ ભરવા માટે તૈયારી કરી રહ્ના છે. ઉમેદવારો સૌકોઈના આકર્ષણનું કેન્દ્ર બને ઍના પ્રયાસો કરી રહ્ના છે. કતારગામ ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયાઍ રજવાડી ઠાઠમાં ઘોડેસવારી કરીને સમર્થકો સાથે ફોર્મ ભરવા નીકળ્યા હતા.
સુરતના કતારગામ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને રાજ્ય સરકારના શહેરી વિકાસમંત્રી વિનુ મોરડિયા આજે અનોખી રીતે ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા. તેઓ નિવાસસ્થાનેથી સૌ પહેલા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા ગયા હતા. ઉમેદવારીપત્ર ભરવા માટે તેઓ ઘોડા પર મંદિરે પહોંચ્યા, ત્યાર બાદ ચૂંટણી અધિકારીઓ પાસે જવા રવાના થયા હતા. આમ ઘોડા પર સવાર થઇ વિનું મોરડીયા પોતાના સમર્થકો સાથે પોતાનું ઉમેદવારી પત્ર ભરવા માટે કલેકટર કચેરી પહોચી ગયા હતા. ત્યાં ઉમેદવારીપત્ર ભરી પોતાની ઉમેદવારી નોધાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે વિનુ મોરડિયા ગઇ વખતે પણ જ્યારે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા ગયા હતા ત્યારે ઘોડા ઉપર સવાર થઈને જ ગયા હતા. ઘોડેસવારી તેમનો મનગમતો શોખ છે. સમયાંતરે તેઓ ઘોડેસવારી કરવાનું પસંદ કરતા હોય છે. તેઓ પોતે આ ઘોડાની કાળજી પણ રાખે છે. પોતાની પાસે ઘોડો પણ છે. મોંઘી દાટ ગાડીઓની સાથે સાથે તેમને અશ્વ ખૂબ જ પ્રિય છે. વર્ષોથી તેઓ ઘોડેસવારી કરે છે. વિનુ મોરડિયા જ્યારે પણ ઉમેદવારી ફોર્મ ભરવા જાય છે ત્યારે અચૂક ઘોડા ઉપર જ બેસીને જાય છે. વિનુ મોરડિયા પોતાના મતવિસ્તારમાં દબંગ નેતા તરીકે જાણીતા છે. કોર્પોરેશનની ચૂંટણી વખતે પણ તેઓ આ જ રીતે જતા હતા. વિધાનસભાની ચૂંટણી વખતે પણ જ્યારે ઉમેદવારીપત્ર ભરવાનું હોય ત્યારે આ પ્રકારે અલગ અંદાજમાં જ નીકળે છે. તેમના વિસ્તારના મતદારો અને સ્થાનિક લોકોમાં પણ હંમેશાં ચર્ચા રહે છે.