ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સોમવારે જણાવ્યું હતું કે, જો પાર્ટી આગામી મહિનામાં થનારી વિધાનસભાની ચૂંટણીમાં બહુમતી હાંસલ કરશે તો ભૂપેન્દ્ર પટેલ જ રાજ્યના મુખ્યમંત્રી બની રહેશે.
શાહના આ નિવેદનથી ઍ સ્પષ્ટ થઈ ગયું છે કે, પટેલ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર છે અને પાર્ટીની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને શાહના ગૃહ રાજ્યમાં સતત સાતમી વખત સત્તા હાંસલ કરવા પર છે. શાહે જણાવ્યું કે, જો ગુજરાતમાં ભાજપને બહુમત મળશે તો ભૂપેન્દ્ર પટેલ જ આગામી મુખ્યમંત્રી હશે. પટેલે સપ્ટેમ્બર ૨૦૨૧માં વિજય રૂપાણીના સ્થાને મુખ્યમંત્રી પદ સંભાળ્યુ હતું. તે ભાજપના નેતૃત્વનો ઍક ઍવો નિર્ણય હતો જેણે અનેક લોકોને ચોંકાવી દીધા હતા. પટેલ પહેલીવાર ઘાટલોડિયા મતવિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા. તેમને ઍ જ બેઠક પરથી ફરીથી ઉમેદવારી બનાવવામાં આવ્યા છે. અગાઉ અરવિંદ કેજરીવાલની આગેવાની હેઠળની આમ આદમી પાર્ટીઍ જાહેર સર્વેઁ હાથ ધર્યા બાદ પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીને તેના મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા હતા. કોંગ્રેસે ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવારની જાહેરાત ન કરવાનો નિર્ણય લીધો છે. ગુજરાતની કુલ ૧૮૨ બેઠકો માટે બે તબક્કામાં ૧ અને ૫ ડિસેમ્બરે મતદાન થશે. ૮મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.