ઉન પાટિયાના કપડા વેપારીઍ મેસોની ઓનલાઇન શોપીંગ વેબસાઇટ પરથી પુત્રી માટે ખરીદેલા ડ્રેસના રૂપિયા રીટર્ન મેળવવા જતા ભેજાબાજે પ્લે સ્ટોર પરથી ઍપ્લિકેશન ડાઉનલોડ કરાવી મોબાઇલ હેક કરી રૂ. ૮૦,૫૨૧ ઉપાડી લીધાની ફરીયાદ સચિન જીઆઇડીસી પોલીસમાં નોંધાય છે.
ઉન પાટિયાના શાલીમાર પાર્કમાં રહેતા અને ફેરી ફરી કપડાનો ધંધો કરતા ૫૦ વર્ષીય તનવીર અહેમદ શબ્બીર અહેમદ સૈયદે ગત ઓગસ્ટ મહિનામાં મેસોની ઓનલાઇન શોપીંગ વેબસાઇટ પરથી પુત્રી માટે ડ્રેસ મંગાવ્યો હતો. પરંતુ ડ્રેસની સાઇઝ નાની હોવાથી ગુગલ પર સર્ચ કરી મેસો કંપનીના ટોલ ફ્રી નંબર પર કોલ કર્યો હતો. તનવીરે ડ્રેસ રીટર્ન કરવાની વાત કરી હતી. કોલ રિસીવ કરનારે અમારી કંપની તરફથી ડ્રેસ રીટર્ન નહીં થશે પરંતુ તમારા પૈસા રીટર્ન થઇ જશે અને તેના માટે પ્લે સ્ટોરમાંથી ઍપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી. તનવીરે ઍપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં જણાવેલી બેંક સહિતની તમામ માહિતી સબમટી કરતા ગણતરીની મિનીટોમાં રૂ. ૮૦,૫૨૧ ઉપાડયાનો મેસેજ આવ્યો હતો. તનવીરે તુરંત જ સાયબર ક્રાઇમના ટોલ ફ્રી નંબર પર કોલ કરી ફરિયાદ નોંધાવી હતી. તનવીરે રૂપિયા ઉપાડી લેનારનો નંબર મેળવી તેના પર સંર્પક કર્યો હતો. પરંતુ તેણે પોતાનું ઍકાઉન્ટ સીઝ થયું છે અને તે ખોલાવવા બદલ અવેજમાં રૂ. ૧૫ હજાર પણ ચુકવ્યા હતા. પરંતુ ત્યાર બાદ ફોન રિસીવ કર્યા ન હતા.