વિધાનસભાની ચૂંટણીને લઈને રાષ્ટ્રીય નેતાઓ અને સ્ટાર પ્રચારકોની ફોજ સુરતમાં ઉતરશે. આજે સુરતની ૧૦ વિધાનસભા બેઠક પર ભાજપના ૮ નેતાઓ અને સ્ટારપ્રચારકો જાહેરસભા ગજવશે. યુ.પીના સી.ઍમ યોગી આદિત્યનાથ ચોર્યાસી વિધાનસભામાં આવતા ગોડાદરા વિસ્તારમાં જાહેર સભા સંબોધશે. આ વિસ્તારમાં હિન્દીભાષી મતદારો ખૂબ મોટી સંખ્યામાં છે. ગોડાદરા, આસપાસ, ડીંડોલી સહિતના વિસ્તારોની અંદર ઉત્તર ભારતીય મતદારોને આકર્ષવા માટે યોગી આદિત્યનાથને મેદાનમાં ઉતારવામાં આવશે. લિંબાયતમાં મહારાષ્ટ્રીયન મતદારોની સંખ્યા ખૂબ જ વધુ છે. મરાઠી મતદારોને રીઝવવા માટે દેવેન્દ્ર ફડણવીસને ચૂંટણી પ્રચારની કમાન સોંપવામાં આવી છે. તેઓ લિંબાયત વિધાનસભા વિસ્તારમાં આવતા સંજયનગર સર્કલ ખાતે સભા કરશે. બીજી તરફ સોશિયલ મીડિયામાં પણ રાજકીય માહોલ ગરમાયો છે.
પાટીદાર ગઢમાં મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલાને ઉતારવામાં આવ્યા છે. પાટીદાર પ્રભાવવાળી વરાછા વિધાનસભા વિસ્તારમાં પરસોત્તમ રૂપાલા સભાને સંબોધિત કરશે. મનસુખ માંડવિયા કરંજ અને કતારગામ વિધાનસભા વિસ્તારમાં સભા ગજવશે. આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીની ઍન્ટ્રી થવાને કારણે ખરાખરીનો જંગ ઉભો થયો છે. ત્યારે મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલાની જવાબદારી સોંપાય છે. આ ત્રણેય બેઠકો ભારતીય જનતા પાર્ટીનું ગઢ માનવામાં આવે છે. પરંતુ પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો વોટશેર વધતા ભાજપ માટે મોટો પડકાર ઉભો થઈ શકે છે. તેથી મનસુખ માંડવીયા અને પુરુષોત્તમ રૂપાલા આ વિસ્તારમાં સભા સંબોધીને કામ શરૂ કરશે. ઉધના વિસ્તારમાં ઉત્તર ગુજરાત અને મહેસાણાના પાટીદારો મતદારોની સંખ્યા વધારે છે. આ વિસ્તારમાં નીતિન પટેલ જાહેર સભાને સંબોધશે. ઉત્તર વિધાનસભામાં પણ નીતીન પટેલ સભા કરશે. મજુરા વિધાનસભા બેઠક ઉપર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ , પડ્ઢિમ બેઠક ઉપર અનુરાગ ઠાકુર અને પૂર્વ વિધાનસભા વિસ્તારમાં તેજસ્વી સૂર્યાજી સભા કરશે. ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પ્રચાર માટે નેતાઓ અને સ્ટારપ્રચારકોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આગામી દિવસમાં અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનના રોડ શો અને જાહેરસભાનું આયોજન કરવામાં આવી રહ્નાં છે. સંભવત રવિવારે રોડ શો યોજાય શકે છે. જો કે, હજુ સુધી કાર્યક્રમનું સ્થળ અને રો શોનો રૂટ નક્કી થયો નથી. રોડ – શોમાં ૫ થી ૬ વિધાનસભા વિસ્તાર કવર કરવામાં આવશે.