
ડુંભાલમાં પાણીની લાઇનમાં વારંવાર લીકેજ થતું હોય પાલિકાઍ નવી લાઈન નાંખી છે. જેને જૂની લાઇન સાથે જોડાણ કરવાની કામગીરી બુધવારે હાથ ધરાશે. જેને પગલે સેન્ટ્રલ, વરાછા, લિંબાયત ઝોનમાં ડુંભાલ સહિતના વિસ્તારોમાં ૨૩, ૨૪મીઍ પાણીકાપ રહેશે.
પાલિકાના હાઇડ્રોલિક ખાતાઍ જણાવ્યું કે, લિંબાયતના ડુંભાલમાં ઈન્ટર સિટી રોડ ઉપર ટોરંન્ટ પાવરના આંજણા સબ સ્ટેશન પાસે ખાડી નજીકથી પસાર થતી ડુંભાલ જળ વિતરણ મથકની ૬૦૦ મીમી વ્યાસની ડિસ્ટ્રીબ્યુશન લાઇનમાં વારંવાર લીકેજ થાય છે તેમજ લાઇન પરથી ટોરંન્ટના ૫થી ૬ હાઈ વોલ્ટેજ કેબલો પસાર થાય છે તેથી સલામતી અર્થે લાઇનમાં ઉદ્દભવતાં લીકેજના કાયમી નિરાકરણ માટે ૬૦૦ મીમી વ્યાસની પાણીની નવી લાઇન નાંખવામાં આવી છે.
આ લાઇનને હયાત ૪૫૦ મીમી વ્યાસની લાઇન સાથે જોડાણ કરવાની કામગીરી ૨૩મીઍ સવા ૮ વાગ્યાથી હાથ ધરાશે, જેથી વરાછા, સેન્ટ્રલ ઝોનનો ઉત્તર તેમજ દક્ષિણ વિસ્તાર અને લિંબાયત ઝોન વિસ્તારમાં ૨૩ અને ૨૪ના રોજ પાણી પુરવઠો બંધ રહેશે અથવા ઓછા પ્રેશરથી મળશે.૨૩મીઍ વરાછામાં મગોબ-ડુંભાલ, ઍ.કે.રોડ, ફૂલપાડા, સેન્ટ્રલ ઝોનમાં દિલ્હી ગેટથી ચોકબજાર, રાજ માર્ગથી ઉત્તર તરફનો વિસ્તાર, મહિધરપુરાથી નાણાવટ અને લિંબાયતમાં પરવત પાટીયાથી ડુંભાલ પંપિમગસુધીના વિસ્તારો, લિંબાયત-ડિંડોલી, હાઉસિંગ બોર્ડ સહિતનો વિસ્તાર. ૨૪મીઍ મગોબ-ડુંભાલ, ઍ.કે. રોડ ફૂલપાડા, આઈ માતા રોડ આસપાસ, લિંબાયત-ડિંડોલી, હાઉસિંગ બોર્ડથી સિદ્ધિ વિનાયક-૧. વિસ્તારમા પાણી આવશે નહી.