કતારગામ વિસ્તારમાં અરવિંદ કેજરીવાલના રોડ શો પહેલા ધનમોરા ચાર રસ્તા પાસે રવિવારે રાત્રે કોઈકે તોડી પાડેલું ડિવાઈડર બનાવતા પાલિકાના કર્મચારીઓ સાથે ગત બપોરે માથાકૂટ કરનાર આપના બે કાર્યકરની પોલીસે ધરપકડ કરી હતી.ત્યાર બાદ પાલિકાના કર્મચારીઓ ફરી કામગીરી કરતા હતા ત્યારે વિડીયો બનાવનાર આપના ઍક કાર્યકર વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો છે.
વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં સુરતના કતારગામ વિસ્તારમાં સોમવારે સાંજે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલનો રોડ શો યોજાવાનો હતો.જોકે, રવિવારે રાત્રે કોઈકે કતારગામ ધનમોરા ચાર રસ્તા પાસે બનાવેલું ડિવાઈડર તોડી નાંખતા મહાનગરપાલિકાના કતારગામ ઝોનના અધિકારીઓ પોલીસ ફરિયાદ કરી તેને બનાવવાની કામગીરી બપોરે ૧૨ વાગ્યે હાથ ધરી હતી.જોકે, ત્યાં ઍકત્ર થયેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોઍ પાલિકાના કર્મચારીઓને કામ કરતા અટકાવતા ઉચ્ચ અધિકારીઓ ત્યાં દોડી ગયા હતા અને સમજાવ્યા હતા.છતાં તેમણે આજે અમારી સભા છે અમે ડિવાઈડર નહીં બનાવવા દઈઍ કહી કામ નહીં કરવા દેતા આ અંગે કતારગામ પોલીસને જાણ કરતા પોલીસ ત્યાં પહોંચી હતી.પાલિકાના સ્ટાફે પોલીસની હાજરીમાં કામ શરૂ કર્યું હતું પણ ત્રણ વાગ્યે આપના કાર્યકરોઍ બધી સાધન સામગ્રી વેરવિખેર કરી સૂત્રોચ્ચાર કરતા ડિવાઈડર બનાવવાનો ફર્મો તોડવાની કોશિષ કરી હતી.આથી પોલીસે ત્યાંથી આપના બે કાર્યકર ઍબ્રોઈડરી ડીઝાઇનર અને કતારગામ કમલ ઍપાર્ટમેન્ટમા રહેતો ૨૧ વર્ષિય પિયુષ ભુપતભાઇ વરસાણી અને અમરોલી ન્યુ કોસાડ, સાઇ આસ્થા રેસીડેન્સીમાં રહેતો ૩૦ વર્ષિય તુલસી મનુભાઇ લલૈયાની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી.ત્યાર બાદ પાલિકાના કર્મચારીઓ ફરી કામગીરી કરતા હતા ત્યારે આપના રજનીકાંત વાઘાણીઍ વિડીયો બનાવવા માંડયો હતો.આ અંગે પાલિકાના આસીસ્ટન્ટ ઍન્જીનીયર હેમંતકુમાર પટેલે કતારગામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે પિયુષ વરસાણી અને તુલસી લલૈયાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.