
આચારસંહિતાના કારણે સુરત પાલિકા વિસ્તારની ૨૩ લાખ જેટલી મિલકત છે. આ મિલ્કતમાં રિવિઝન આકારણી બિલ ઇસ્યુ કરવાની કામગીરી પર બ્રેક લાગી હતી. આ કામગીરી થંભી જતાં ૧૨૫ કરોડથી વધુના મિલકત વેરાના બિલ હજી પેન્ડીંગ છે. પાલિકા તંત્ર આચારસંહિતા પુરી થયાં બાદ રિવિઝન આકારણી કરશે તેને કારણે મિલકત વેરાના પહેલાં ૧૬૦૦ કરોડની ડિમાન્ડ હતી તેમાં ૧૦૦ કરોડથી વધુનો વધારો થશે અને પાલિકાના મિલકત વેરાની ડિમાન્ડ ૧૭૦૦ કરોડની ક્રોસ કરી જાય તેવી શક્યતા છે.
સુરત પાલિકાની આવકનો મુખ્ય સ્ત્રોત મિલ્કત વેરા સાથે વિવિધ પ્રકારના વેરા બની ગયો છે. પાલિકા સરકારની વિવિધ ગ્રાન્ટ સાથે મિલકત વેરા ને વધુ સઘન બનાવવા આયોજન કરી રહી છે. પાલિકા આ વેરાની કામગીરી વધુ આક્રમક થાય તે માટે રિવિઝન આકારણીની કામગીરી કરે છે. હાલમાં રિવિઝન આકારણી માટે ૨૫ ટકા મિલ્કતની આકારણી પુરી થઈ ગઈ છે. જોકે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી આચાર સંહિતા લાગુ પડી જતાં આ કામગીરી પર હાલ પુરતી બ્રેક લાગી ગઈ હતી. આચારસંહિતાના કારણે લોકો સુધી રિવિઝન આકારણીના બિલ પહોંચી શક્યા નથી. ૮ ડિસેમ્બર ના રોજ મતગણતરી બાદ આચારસંહિતા પુરી થઈ જશે ત્યારે બાદ પાલિકા તંત્ર વેરાની કામગીરી વધુ સઘન બનાવશે. હાલમાં મિલ્કત વેરા અંગે રિવ્યૂ બેઠક થઈ હતી તેમાં શહેરમાં ૨૩ લાખ મિલ્કત છે રિવિઝન આકારણી કરવામાં આવશે તેમાં ૨૫ હજાર જેટલી મિલ્કતનો વધારો થશે તેવું કહેવાય રહ્નાં છે. વર્ષ ૨૦૨૧- ૨૨માં સુરત પાલિકાના ચોપડે મિલકત વેરા માટે ૧૬૬૪ કરોડની ડિમાન્ડ હતી તેની સામે પાલિકાને ૩૧ માર્ચ ૨૦૨૨ સુધીમાં ૧૧૫૦ કરોડની રિકવરી થઈ હતી. જ્યારે વર્ષ ૨૦૨૨-૨૩ માં અત્યાર સુધીમાં ૮૮૨ કરોડની વેરાની રિકવરી થઈ ગઈ છે. અત્યાર સુધીમાં પાલિકાઍ જે બિલ ઇસ્યુ કર્યા તેની સામે ૫૩.૧૮ ટકા જેટલી રિકવરી થઈ ગઈ છે.