શહેરની ફરતે ૯૦ મીટર પહોળા, ૬૬ કિમી લાંબા આઉટર રિંગ રોડના નિર્માણ માટે પેકેજ ૧-બી હેઠળ જમીનના કબજા લેવાનું માર્ચ સુધીમાં પૂર્ણ થશે. પાલિકાઍ આ કામગીરી ૬૦થી ૭૦ ટકા જેટલી પૂર્ણ કરી દીધી છે ત્યારે આ પ્રોજેક્ટ તૈયાર થઈ ગયા બાદ રોજના ૧૫થી ૨૦ લાખ લોકોને તેનો સીધો લાભ થશે. સાથે ડેવલપમેન્ટના નવા દ્વાર પણ ખોલશે. મંગળવારે વરાછા ઝોને વાલક ખાતે સૌથી મોટા ૪૧,૭૦૦ ચોરસ મીટર જ્યારે રાંદેર ઝોને વરિયાવ જંકશન પર જમીન કબજે લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આ સાથે જ તાત્કાલિક અસરથી માટી ઉલેચવાની કામગીરી પણ શરૂ કરાઇ હતી. હવે પાસોદરા, કઠોદરા, ગઢપુરથી સીધા વરાછા રોડ જઈ શકાશે.
સરથાણા-પાસોદરા-લસકાણા ખાતે ખોલવડ-કામરેજને જોડતાં ૩૦ મીટરના રોડનો કબજો લઈ રોડ-પાણી અને ડ્રેનેજ નેટવર્ક પણ ઉપલબ્ધ કરાશે, જેથી નવા વિસ્તારોને સીધો લાભ મળશે. સૌરાષ્ટ્ર હોસ્ટેલ પાસેથી પસાર થતાં આઉટર રિંગ રોડ માટે સૂચિત ટીપી રોડનો કબજો મળતા જ રિંગ બનાવવાની કામગીરી પણ તાત્કાલિક ધોરણે શરૂ કરી દેવાઇ હતી. ખેતરોમાંથી પસાર થતાં ટીપી રોડ માટે કાચા-પાકા શેડ તોડી પાડી ખેતરોમાં નિયત માર્ગ પર જેસીબી દ્વારા માટી ઉલેચવાનું કામ પણ પૂર્ણ કરાયું હતું.ટીપી રોડ પર દબાણ દૂર કરી જમીનના કબજા મેળવવાની કવાયતના ભાગરૂપે ડ્રાફ્ટ ટીપી નં-૨૨ ખાતે સરથાણા નેચરપાર્કની પાસેના ૧૮ મીટરના રોડ પર દબાણ દૂર કરાયા હતા. ગામતળ તથા માનસરોવર સુધીના માર્ગને ખુલ્લો કરવા નેશનલ પાર્ક સોસાયટીની કંપાઉન્ડ વોલ, દુકાન તથા સોસાયટીના ગેટને પણ તોડી પડાયા હતાં. આ માર્ગ બનતા સરથાણા ગામતળ અને માનસરોવરના રહીશોને સુરત-કામરેજ મેઇન રોડની સીધી કનેક્ટિવિટી મળશે.