
ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ની ચુંટણીમા ભાજપ સામે મોટા પડકાર છતાં પરિણામમાં ભાજપને ૧૫૬ બેઠક મળવા સાથે ભાજપનું સ્ટીમ રોલર ફરી વળ્યું છે. ભાજપે ૬૦ વર્ષના રેકર્ડમાં માધવસિંહ સોલંકીનો રેકર્ડ તોડ્યો છે. આ ચુંટણીમા મત મોદીને મળતાં ભાજપનો જય ઘોષ થયો છે અને કોંગ્રેસનો કચ્ચરઘાણ થઈ ગયો છે. અત્યાર સુધી ભાજપ હિન્દુત્વના નામે વિજય મેળવતું હતું પરંતુ આ વિજય બાદ ગુજરાતના રાજકારણમાં અને ખાસ કરીને મતદારોમાં નવો શબ્દ ચર્ચામાં આવ્યો છે તે છે મોદીત્વ, મોદીના નામે જ ભાજપના નબળા અને વિરોધ હોવા છતાં ઉમેદવારો જીત્યા તેથી હિન્દુત્વ બાદ મોદીત્વથી ચુંટણી જીતી શકાય છે તેવી ચર્ચા જોરોશોરમાં થઈ રહી છે.
૨૦૨૨ ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલાં ભાજપ સામો મોંઘવારી, પેપર ફુટવાની ઘટના, મોરબી દુર્ઘટના, જુની પેન્શન યોજના, રિમોર્ટ કંટ્રોલથી ચાલતી સરકાર સાથે ૨૭ વર્ષથી ચાલતી સરકાર સામે ઍન્ટી ઈન્કમબન્સી સૌથી મોટો પડકાર હતા. આ ચુંટણી પહેલાં ભાજપે અનેક પાસા ગોઠવ્યા પરંતુ ચુંટણીની તારીખ નજીક આવતી ગઈ તેમ ભાજપના મોટા ભાગના પાસા નબળા સાબિત થતાં જોવા મળ્યા હતા. ભાજપ માટે ઍવી સ્થિતિ આવીને ઉભી રહી ગઈ હતી કે કેટલાક નેતાઓ કેટલાક વિસ્તારમાં પ્રચાર માટે પણ જઈ શકતાં ન હતા.સુરત સહિત ભાજપના અનેક ઉમેદવારો સામે ભાજપમાં જ ભારે વિરોધ અને લોકોમાં પણ વિરોધ હોવાના કારણે ભાજપ સુરતમા પણ કેટલીક બેઠક ગુમાવે તેવું કહેવાતું હતું. જોકે, ચુંટણી પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સુરત સહિત ગુજરાતના પ્રવાસે આખી બાજી પલ્ટી નાંખી હતી. વડાપ્રધાન મોદીઍ ઉમેદવારના નામે નહીં પરંતુ પોતાના નામે મત માગવાની અપીલ લોકો માટે અસરકારક સાબિત થઈ ગઈ હતી.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતાના કારણે લોકો ઉમેદવારો સામેનો રોષ ભુલી ગયાં હતા અને મોદીના નામે મત આપી દેતાં ભાજપને ક્લીન સ્વીપ મળી હતી. જે પાટીદાર બેઠક પર ભારે રસાકસી થશે તેવી ગણતરી થતી હતી તે બેઠકો ભાજપ ઘણી જ સરળતાથી કોઈ પણ મોટી સ્પર્ધા વિના જીતી ગઈ હતી. ભાજપ સામે સૌથી મોટો પ્રશ્ન બળવાખોર ઉમેદરાવ અને નારાજ નેતાઓનો હતો પરંતુ મોદી મેજીક સામે આ લોકો પણ કંઈ ઉકાળી શક્યા નથી.