ગુજરાતમાં ભાજપની જંગી બહુમતીથી જીત થઈ છે. જીત બાદ સમગ્ર ગુજરાતમાં ઉજવણીઓ શરૂ કરવામાં આવી છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની ચાલુ સરકારનું રાજીનામું આપવા માટે રાજભવન પહોંચ્યાં હતાં.
તેમની સાથે હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહયા હતાં. રાજ્યપાલે ભૂપેન્દ્રભાઈની સરકારનું રાજીનામું સ્વીકારી લીધું હતું.ભાજપની સરકાર બનતાં જ હવે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ ૧૨મી ડિસેમ્બરે શપથ લેશે. ગાંધીનગરમાં નવી સરકારની શપથવિધી યોજાશે. જેમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે. આવતીકાલે ૧૦ વાગ્યે ગાંધીનગર કમલમમાં ભાજપના ધારાસભ્ય દળની મીટિંગ મળશે.આ વખતની ચૂંટણીમાં ભાજપના મોટાભાગના મંત્રીઓની જીત થઈ છે. ઍક માત્ર કિર્તિસિંહ ચૂંટણી હારી ગયાં છે. બીજી તરફ માણાવદરથી જવાહર ચાવડા પણ ચૂંટણી હારી ગયાં છે. ભૂપેન્દ્ર પટેલની જુની સરકારમાંથી ૨૦માંથી ૧૯ મંત્રીઓની જીત થઈ છે. ભુપેન્દ્ર પટેલ નવા ઈતિહાસ સાથે ફરીથી મુખ્યમંત્રી બનવા જઈ રહયા છે ત્યારે તેમના નવા મંત્રી મંડળમાં સુરત અને દક્ષિણ ગુજરાતને કેટલું અને કેવું પ્રતિનિધિત્વ મળે છે તે અંગે કાર્યકર-નેતાઓ સાથે લોકોમાં ભારે ઉત્સુકતા છે. ૧૫૬ ધારાસભ્ય હોવાથી મંત્રીઓ પસંદ કરવા માટે ભાજપ પાસે વિશાળ વિકલ્પ છે.