સોમવારે ગુજરાતના ૧૮મા મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા હતા. ત્યાર બાદ કેબિનેટની બેઠક મળી હતી, જેમાં મંત્રીઓને તેમનાં ખાતાંની ફાળવણી કરાઈ હતી. ત્યારે આજે મંગળવારે ૧૩ ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્વર્ણિ સંકુલ પહોંચ્યા હતા. તેમણે મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. આ ઉપરાંત તેમના મંત્રીમંડળમાં સામેલ અન્ય મંત્રીઓ પણ પોતાનો ચાર્જ લીધો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભા ચૂંટણીઓમાં પ્રચંડ જનસમર્થન મેળવીને સતત બીજીવાર મુખ્યમંત્રીપદનો કાર્યભાર મંગળવારે ૧૩મી ડિસેમ્બરે સવારે શુભ મુહૂર્તમાં વિધિવત્ સંભાળ્યો છે. પટેલે સીમંધર સ્વામીની મૂર્તિ તથા પૂજ્ય દાદા ભગવાનના શ્રીચરણોમાં ભાવપુષ્પ અર્પણ કરીને રાજ્યનું જનસેવા દાયિત્વ આજથી સંભાળી લીધું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે રાજ્ય મંત્રીમંડળના નવનિયુક્ત મંત્રીઓ પણ પૂજન-અર્ચનમાં સહભાગી થયા હતા.મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સમગ્ર મંત્રીમંડળે બહુજન હિતાય-બહુજન સુખાયની ખેવના તેમજ ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીઍ આપેલા ધ્યેયમંત્ર સાથે આજે મંગળવાર તા. ૧૩મી ડિસેમ્બરથી જ પોતાના પદભાર સંભાળ્યા છે. મુખ્યમંત્રીઍ નવનિયુક્ત સૌ મંત્રીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્યના ઉત્તરોત્તર અવિરત વિકાસમાં તેમનું યોગદાન મળતું રહે ઍવી મંગળ કામનાઓ વ્યક્ત કરી હતી.મોદી ૨૦૦૧માં સૌથી પહેલીવાર મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમની કેબિનેટમાં માત્ર સાત મંત્રી હતા, ઍ પછી ૨૦૦૨ની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં ૯ કેબિનેટ અને સાત રાજ્યકક્ષાના મંત્રી સહિત ૧૬ સભ્યો, ૨૦૦૭માં ૯ કેબિનેટ અને ૯ રાજ્યકક્ષાના મંત્રીઓ સાથે ૧૮ સભ્યો, જ્યારે ૨૦૧૨માં ૬ કેબિનેટ અને ૧૦ રાજ્યકક્ષાના મંત્રીઓ સાથે ૧૬ સભ્ય હતા.