વડોદરાના વાઘોડિયાના જરોદ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ૪ લોકોના મોત થયાં છે અને પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. મૃતકોની બોડીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ છે. ઉજ્જૈન અને પાવાગઢના દર્શન કરીને પરિવાર સુરત જઈ રહ્ના હતો. ત્યારે જરોદ પાસે અકસ્માત થયો હતો.
સુરતનો પરિવાર ઉજ્જૈનથી દર્શન કરીને પાવાગઢના દર્શને ગયો હતો. દર્શન કરીને પરત ફરતાં વાઘોડિયા તાલુકાના જરોદ પાસે જ તેમની કાર ઍક ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. આ દરમિયાન કારમાં બેઠેલા ચાર લોકોનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચી હતી. અકસ્માતની ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે જવા તાત્કાલિક ધોરણે રવાના થઈ હતી. પોલીસની સાથે ઍનડીઆરઍફની ટીમે ઘટના સ્થળે જઈને બચાવ કામગીરી હાથ ધરી હતી. પોલીસની ટીમે અકસ્માતમાં ઈજા પામેલા લોકોને હોસ્પિટલ ખસેડ્યાં હતાં. જ્યારે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરી છે.