સુરત શહેરમાં રખડતા ઢોરની ત્રાસથી શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.અવાર-નવાર રખડતા ઢોરને કારણે નાના-મોટા અકસ્માતો થઇ રહયા છે. જેથી સુરત મહાનગરપાલિકા હવે ઍક્શન મોડમાં આવી છે. સુરતના કતારગામ, સરથાણા અને રાંદેરમાં ત્રણ મોટા ઢોર ડબ્બા બનાવવા કવાયત શરૂ કરાઈ છે. ઍટલું જ નહીં, ટૂંક સમયમાં પાલિકાના ત્રણેય ઝોનમાં ઢોર ડબ્બાની કેપીસીટી વધારીને ૩૦૦૦ કરવા દરખાસ્ત પણ રજૂ કરાશે.
સુરતમાં રખડતા ઢોરની સમસ્યા લોકો માટે સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. આવનાર દિવસોમાં સુરત મહાનગરપાલિકા રખડતા ઢોરોને પકડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરશે. પાલિકાના અધિકારીઓ દ્વારા જ્યાં પણ રસ્તા પર ઢોર દેખાય ત્યાંથી પકડી સલામત સ્થળે મોકલાઈ આપવા માટે ઍક ઍક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં ઢોરને લગતી ૧૩૭ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઍટલું જ નહીં ચૂંટણી પહેલા કરેલી કાર્યવાહીની વાત કરવામાં આવે તો ૨૨૨થી વધુ ગેરકાયદેસર તબેલાઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી જ્યારે ૪૦૦૦થી વધુ પશુઓ પકડાયા હતા.આ અંગે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલઍ જણાવ્યું હતું કે, રખડતા પશુઓની સમસ્યાને લઈને દરેક કેમ્પેઈન મોડમાં કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૨-૨૩માં ૪૯૬૮ પશુઓ પકડીને ૪૦.૫૮ લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો. હાલમાં રેડિયો ફ્રિક્વન્સી આઈડેન્ટીફીકેશન ચીપ લગાડવાની શરૂઆત કરવામાં આવી હતી. વિના મુલ્યે દરેક ઝોનમાં કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં ૧૪૧૦૨ જેટલા ટેગ લગાવવામાં આવી ચુક્યા છે. ૨૦૨૩ માર્ચ સુધીમાં આ કામગીરી કરવામાં આવશે. આ કામગીરી થકી પાલિકામાં ઓનલાઇન ડેટાબેઝ જોવા મળશે.અત્યારે ત્રણેય ઝોનમાં ઢોર ડબ્બાની કેપેસિટી ૨૫૦ છે જે ૧૦ ઘણી વધારીને વધારીને ૩૦૦૦ કરશે અને આ માટે પાલિકામાં દરખાસ્ત રજૂ કરાશે. આ સાથે જ પશુઓ પકડવાની કામગીરી પોલીસ અને મનપા દ્વારા કરવામાં આવી રહી છે. અત્યાર સુધી પહેલી વાર, બીજી વખત અને ત્રીજી વખત પશુ પકડાઈ તો અલગ અલગ દંડ વસુલવામાં આવી રહયો છે.અત્રે ઉલ્લખનિય છે કે શહેરમાં છેલ્લા ૯ મહિનામાં ૫૪,૫૫૭ પશુઓમાંથી ૧૪,૫૦૩ની નોંધણી થઈ ગઈ છે.શહેરમાં હાલ ૨૩,૦૫૨ ગાય, ૩૧,૫૦૫ ભેંસ મળી કુલ ૫૪,૫૫૭ પશુઓ છ૩૧ માર્ચ પછી ચીપ લગાડવાનો ચાર્જ વસુલી ફોજદારી પણ કરાશે.