ગુજરાતમાં ભાજપે વિધાનસભાની ચૂંટણીમાં ભારે બહુમત સાથે વિજય મેળવી લીધો છે. ત્યાર બાદ મુખ્યમંત્રી અને મંત્રીઓના શપથ યોજાયા હતાં. હવે ધારાસભ્યોની શપથવિધી યોજાશે. બીજી બાજુ ભાજપના તમામ જિલ્લા પ્રમુખોની ઍક રિવ્યૂ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ વિસ્તારોનો રિવ્યૂ લેવાશે. આ માટે આગામી ૧૯મીઍ ઍક બેઠક બોલાવવામાં આવી છે. આ જ સમયમાં ધારાસભ્યોની શપથવિધી છે અને વિધાનસભાનું ઍક દિવસનું સત્ર મળવાનું છે. નવા ચૂંટાયેલા ધારાસભ્યોને વડાપ્રધાન મોદી સાથે દિલ્હીમાં ડીનરનું આમંત્રણ આપવામાં આવ્યું છે.
ગુજરાત ભાજપના ધારાસભ્યોની દિલ્હીમાં બેઠક મળવાની છે. આ બેઠક માટે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે ધારાસભ્યોને આમંત્રિત કર્યાં છે. તમામ ધારાસભ્યોને જીમખાના ક્લબમાં ડિનર પર આમંત્રિત કરાયા છે. આ બેઠકમાં વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે. તમામ ધારાસભ્યોને વડાપ્રધાન મોદી જરૂરી માર્ગ દર્શન આપશે. વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત બાદ વડાપ્રધાન સાથે દિલ્હીમાં ધારાસભ્યોની આ પ્રથમ બેઠક હશે. બીજી તરફ ભાજપ દ્વારા રાજ્યના તમામ વિસ્તારોનો રિવ્યૂ લેવાની શરૂઆત કરવામાં આવી છે. તમામ જિલ્લાના ભાજપ પ્રમુખોને ૧૯ ડિસેમ્બરે બેઠકમાં હાજર રહેવા જણાવી દેવાયું છે. ભાજપ દ્વારા પ્રમુખોની હાજરીમાં ચૂંટણી બાદ તમામ વિસ્તારોમાં રિવ્યૂ અંગેની ચર્ચાઓ થશે.