
ચીનમાં કોરોનાની વિસ્ફોટક સ્થિતિ વચ્ચે દેશમાં કોરોના સંક્રમણની ભીતિને ધ્યાને રાખીને આરોગ્ય મંત્રાલય દ્વારા ગાઇડલાઇન બહાર પડાઇ છે. જેના ભાગરૂપે પાલિકાનું આરોગ્ય વિભાગ ઍલર્ટ થઇ ગયું છે. જો કે, શહેરમાં ઍલિજિબલ ૫૦ લાખમાંથી માત્ર ૮ લાખે જ બુસ્ટર ડોઝ લીધો છે, જેથી પાલિકાઍ શરદી-ખાંસી હોય તો પણ ટેસ્ટ કરાવવા અપીલ કરી છે.
પોઝિટિવ કેસ આવે તો સેમ્પલ જિનોમ સિકવન્સીંગ માટે મોકલવા સુચના અપાઈ છે જ્યારે નાગરિકોને નવા વેરિઍન્ટને પગલે તકેદારી રાખવા અપીલ કરાઈ છે. કેન્દ્રની ગાઈડ લાઈનને પગલે શહેરભરના હેલ્થ સેન્ટરોના તબીબો સાથે બેઠક યોજી તકેદારી રાખવા અંગે જરૂરી સુચના અપાઇ હતી.ડેપ્યુટી કમિશનર હેલ્થ ઍન્ડ હોસ્પિટલ ડો. આશિષ નાયકે જણાવ્યું કે, જે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવશે તેના જિનોમ સિકવન્સ રિપોર્ટ કરાશે. આગામી દિવસોમાં સંક્રમણને લઇ નાગરિકોને શરદી- ખાંસી કે તાવ જેવા લક્ષણો હોય તો ભીડભાડથી દૂર રહી ટેસ્ટ કરાવી લેવા અપીલ કરાઈ છે.
પાલિકાના હેલ્થ સેન્ટરો પર કોરોના ટેસ્ટીંગની વ્યવસ્થા છે. હાલમાં શહેરમાં કોરોનાના કેસ નથી. પરંતુ પાલિકાઍ સાવચેતી રાખવા પ્રયાસ શરૂ કર્યા છે.પાલિકાના હેલ્થ સેન્ટરો પર રસીકરણ માટે વ્યવસ્થા છે. લોકો નજીકના કેન્દ્ર પર જઇ પ્રિકોશન ડોઝ લગાવી શકે છે. આ માટે હાલમાં કોઇ ચાર્જ વસુલાતો નથી.