અમરોલી-કોસાડ રોડ સ્થિત મારૂતિધામ સોસાયટીની બાજુમાં ચાલી રહેલી શીવકથા સાંભળવા આવનાર બે મહિલાની સોનાની ચેઇન અને મંગળસૂત્ર તફડાવનાર અજાણ્યા વિરૂધ્ધ અમરોલી પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
મુળ જામનગરના જોડીયા તાલુકા માધાપરગામના વતની હાલ અમરોલી-કોસાડ રોડ મારૂતિધામ સોસાયટીમા રહેતા સરોજબેન પરેશ ચોટલીયા સોસાયટી નજીક ખુલ્લા પ્લોટમાં ચાલી રહેલી શીવકથા સાંભળીને બપોરે પરત ઘરે આવ્યા હતા. ત્યારે સોસાયટીની મહિલાઓ ચર્ચા કરી હતી કે શીવકથા સાંભળવા જનાર મંજુલાબેન દશરથ ખાનદેશીની સોનાની ચેઇન ચોરી થઇ ગઇ છે. જેથી સરોજબેને તુરંત જ પોતે ગળામાં પહેરેલું સોનાનું મંગળસૂત્ર ચેક કર્યુ હતું. પરંતુ રૂ. ૩૫ હજારની કિંમતનું સોનાનું મંગળસૂત્ર ગળામાં ન હતું. જેથી તેમણે કથા સ્થળે જઇ તપાસ કરી હતી. પરંતુ મંગળસૂત્ર નહીં મળતા તેમણે અમરોલી પોલીસમાં જાણ કરી હતી. પોલીસે શીવકથા સાંભળવાના બહાને સરોજબેન અને મંજુલાબેનના ગળામાંથી સોનાની ચેઇન અને મંગળસૂત્ર તફડાવનાર અજાણ્યા વિરૂધ્ધ ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી છે.