મહિધરપુરા હીરાબજારમાં વેપાર કરતા ઈચ્છાનાથના વૃદ્ધ વેપારી પાસેથી અન્ય વેપારીઓને બતાવવા લઈ ગયેલા રૂ.૯૩.૧૫ લાખના હીરા વેચ્યા બાદ અડાજણના હીરાદલાલે તેનું પેમેન્ટ નહીં કરતા વેપારીઍ તેના ઘરે જઈ ઉઘરાણી કરી તો દવા પીને વેપારીનું નામ પોલીસમાં લખાવવાની ધમકી આપી હતી.
ઉમરા રોડ ઈચ્છાનાથ નવપલ્લવ બંગલા નં.૩ માં રહેતા ૬૨ વર્ષીય દિનેશભાઇ બાબુલાલ પારેખ મહિધરપુરા જદાખાડી મયુર ઍપાર્ટમેન્ટમાં લીલા જેમ્સના નામે હીરાનો વેપાર કરે છે.હીરાબજારમાં વર્ષોથી દલાલીનું કામ કરતો અને અડાજણ પાટીયા દિપા કોમ્પલેક્ષના સિધ્ધાર્થ વેલામા રહેતો હીરાદલાલ અલ્પેશ બાબુભાઇ શાહ છેલ્લા ચાર વર્ષથી દિનેશભાઈના સંપર્કમાં આવ્યો હતો.તે અગાઉ વેપારીઓને બતાવવા હીરા લઈ જતો અને તે વેચાય નહીં તો પરત કરતો હતો.જયારે વેચાયેલા હીરાનું પેમેન્ટ સમયસર કરતો હતો.ગત ૬ ઓગષ્ટ થી ૨૩ સપ્ટેમ્બર ૨૦૨૨ દરમિયાન અલ્પેશ જુદીજુદી તારીખે કુલ રૂ.૯૩,૧૫,૧૪૩ ની મત્તાના તૈયાર હીરા વેપારીઓને વેચવા માટે બતાવવા લઈ ગયો હતો.બાદમાં તેનો વેપાર થઈ ગયો છે તેવું દલાલ અલ્પેશે જણાવ્યું હતું.પણ તેનું પેમેન્ટ સમયસર કરવાને બદલે ખોટા વાયદાઓ કરી સમય પસાર કર્યા કરતો હતો.જેથી દિનેશભાઇ ઉઘરાણી કરવા અલ્પેશને ઘરે પહોચી ગયા હતા.ત્યારે અલ્પેશે પૈસા આપવાના બદલે ઝીરી દેવા પીને દિનેશભાઈનું નામ પોલીસમાં લખાવવાની ધમકી આપી હતી.આખરે આ અંગે દિનેશભાઈઍ દલાલ અલ્પેશ વિરુદ્ધ મહિધરપુરા પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.