સુરતના ભેસ્તાન ખાતે ટેક્સટાઈલ યુનિટ ધરાવતા સરથાણાના યુવાન વેપારી ઍટીઍમમાં કાર્ડ ભૂલી ગયા તેના ગણતરીના કલાકોમાં સુરતમાં ૭ ટ્રાન્ઝેક્શનથી રૂ.૭૦ હજાર અને બીજા દિવસે મુંબઈમાં ૬ ટ્રાન્ઝેક્શનથી રૂ.૧ લાખ મળી કુલ રૂ.૧.૭૦ લાખ ઉપડી જતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
મૂળ ભાવનગરના શિહોરના બેકડી ગામનો વતની અને સરથાણા જકાતનાકા શ્યામવિલા સોસાયટી ઘર નં.૪૪ બીજા માળે રહેતા ૩૩ વર્ષીય ભાવેશભાઇ કાળુભાઇ ઉકાણી ભેસ્તાન સલીયાનગર ઈન્ડસ્ટ્રીઝમાં જાનકી ફેબ્રિક્સના નામે ટેક્સટાઇલનું કામ કરે છે.ગત ૧૭ નવેમ્બર ૨૦૨૨ ની રાત્રે ૮.૩૦ વાગ્યે તે ઘરખર્ચ માટે પૈસા ઉપાડવા સરથાણા જકાતનાકા રાઈઝોન પ્લાઝામાં આવેલા આઈડીબીઆઈ બેન્કના ઍટીઍમમાં ગયા ત્યારે ત્યાં ત્રણથી ચાર વ્યક્તિ હાજર હતા.ઍક ઍટીઍમમાં ભીડ ન હોય તેમણે ત્યાં પૈસા ઉપાડવા પ્રોસેસ કરી તે સમયે ઍક અજાણ્યો તેમની પાછળ આવી ઉભો રહી ગયો હતો.ભાવેશભાઈ ત્રણ ટ્રાન્ઝેક્શન મારફતે રૂ.૩૦ હજાર ઉપાડી ત્યાંથી નીકળી ગયા હતા પણ ઍટીઍમમાંથી કાર્ડ કાઢવાનું ભૂલી ગયા હતા.આ બાબતથી અજાણ ભાવેશભાઈ બીજા દિવસે પોતાની ફેક્ટરી પાસે ઍટીઍમમાં પૈસા ઉપાડવા ગયા ત્યારે કાર્ડ નહીં મળતા તેમને કાર્ડ ભૂલ્યાની જાણ થઈ હતી.તેમણે તરત મોબાઈલ ફોનમાં બેન્કના મેસેજ જોયા તો ૧૭ મી ની રાત્રે સુરતમાં ૭ ટ્રાન્ઝેક્શનથી રૂ.૭૦ હજાર અને બીજા દિવસે મુંબઈમાં ૬ ટ્રાન્ઝેક્શનથી રૂ.૧ લાખ મળી કુલ રૂ.૧.૭૦ લાખ ઉપડી ગયા હતા.બેન્કમાં જાણ કરી કાર્ડ બ્લોક કરાવી તેમણે આ અંગે પોલીસમાં અરજી કરી હતી.અરજીમાં તેમણે જણાવ્યું હતું કે ઍટીઍમમાં પાછળ ઉભેલા અજાણ્યાઍ પાસવર્ડ જોઈ ભૂલેલા કાર્ડની મદદથી પૈસા ઉપાડી લીધા છે.સરથાણા પોલીસે અરજીના આધારે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.