સરથાણા યોગીચોક વિસ્તારના આધેડે મિત્રને મદદ કરી તેને ઉછીના પૈસા આપ્યા હતા.પરંતુ મિત્રઍ પૈસા પરત નહીં આપતા તેને આત્મહત્યા કરવા મજબુર કરનાર મિત્રની સરથાણા પોલીસે ધરપકડ કરી છે.
મૂળ અમરેલીના લીલીયાના કલ્યાણપર ગામના વતની અને સરથાણા યોગીચોક સાવન પ્લાઝા રેસિડન્સીમાં પત્ની ચંદ્રિકાબેન, વયોવૃદ્ધ માતા લીલાબેન, પુત્ર કલ્પેશ, પુત્રવધુ વિરલ અને પૌત્ર કર્તવ્ય સાથે રહેતા તેમજ નિવૃત્ત જીવન ગાળતા ૫૫ વર્ષિય પ્રવિણભાઈ બાબુભાઈ હીરપરાઍ વેલંજા રામવાટીકા બંગલો વિભાગ- પાંચમા રહેતા મિત્ર ઘનશ્યામભાઈ મધુભાઈ વસોયા ને તેના બાળકોને ભણાવવા માટે પરિવારજનો, સંબંધીઓ પાસેથી ઉછીના પૈસા લઈ તેમજ ઘરના ઘરેણાં પર લોન લઈ રૂ.૧૧ લાખથી વધુ આપ્યા હતા. છતાં મિત્ર ઘનશ્યામે દગો કરી પૈસા પરત નહીં કરતા કે લોનના હપ્તા પણ નહીં ભરતા પ્રવિણભાઈઍ ગત ૨૧ ઍપ્રિલ ૨૦૨૨ ના રોજ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી.સરથાણા પોલીસે પ્રવિણભાઈની ડાયરીમાં મળેલી સ્યુસાઈડ નોટના આધારે તેના મિત્ર વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સરથાણા પોલીસે આ બનાવમાં હાલ નિવૃત્ત જીવન ગાળતા ૫૭ વર્ષિય મિત્ર ઘનશ્યામભાઇ મધુભાઇ વસોયાની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી