
સુરત મહાનગરપાલિકા દ્વારા રોજેરોજ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ડિમોલિશન અને કન્સ્ટ્રક્શન વેસ્ટના નિકાલ માટેની કામગીરી થઈ રહી છે. પાલિકાની આવી કામગીરી વચ્ચે રાંદેર ઝોનમાં સરદાર બ્રિજની નીચેના વિસ્તારને લોકોઍ ડિમોલિશન અને કન્સ્ટ્રક્શન વેસ્ટ સહિતનો કચરો ફેંકી ડમ્પિંગ સ્ટેશન બનાવી દીધું છે. નીચેની પારાવાર ગંદકી થતા સ્થાનિક રહીશો માટે મુશ્કેલી વધી છે. ઍક તરફ પાલિકા જાહેરમાં કચરો ફેંકનાર પાસે પ્રતિદિન બે લાખ દંડ માટે કવાયત કરી રહી છે તો બીજી તરફ સરદાર નીચેના ભાગમાં બ્યુટીફિકેશનની કામગીરીને અભરાઈ પર ચડાવી દેવાયા બાદ આ વિસ્તાર ઉકરડો બનાવી દીધો છે.
સુરત મહાનગરપાલિકાના નવ નિયુક્ત કમિશનર દ્વારા શહેરમાં સફાઈ અભિયાનને વધુ વેગ આપવામાં આવી રહયો છે. આ કામગીરીના ભાગરૂપે સીસી કેમેરાનો ઉપયોગ કરીને જાહેરમાં ગંદકી કરનારાને આકરો દંડ કરવા માટેના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે. તેમ છતાં જાહેરમાં ગંદકી કરનારા લોકો હજી પણ સુધરતા નથી. અડાજણ ગુજરાત ગેસ સર્કલ પાસે સરદાર બ્રિજના નીચેના ભાગમાં બ્યુટીફિકેશનની કામગીરીને અભરાઈ પર ચડાવી દેવાયા બાદ બ્રિજની નીચેના ભાગને લોકોઍ ઉકરડો બનાવી દીધો છે.આ બ્રિજ નીચેના વિસ્તારમાં કોઈ પ્રકારની કામગીરી ન થતી હોવાથી લોકો કન્સ્ટ્રક્શન અને ડિમોલીશન વેસ્ટ બ્રિજની નીચે ઠાલવી રહયા છે. ઍટલું જ નહીં પરંતુ આ બ્રિજની નીચે ખોરાક, મેડિકલ વેસ્ટ અને દારૂની બોટલ સહિતનો કચરો પણ ઠાલવવામાં આવી રહયો છે. આવી રીતે કચરો ઠાલવવામાં આવતા હોવાથી નીચેનો ભાગ ડમ્પિંગ ગ્રાઉન્ડ જેવા બની ગયો છે. અહીં થતી ગંદકીના કારણે આસપાસના લોકોને આરોગ્ય સામે પણ ખતરો ઉભો થયો છે. શહેરમાંથી કચરાનો નિકાલ કરવાના દવા વચ્ચે બ્રિજની નીચેના વિસ્તારમાં કોઈ પ્રકારની સફાઈ કરવામાં આવતી નથી જેથી આસપાસના લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે