મકરસંક્રાંતિ દરમિયાન ચાઈનીઝ દોરી ખૂબ જ ઘાતક પુરવાર થાય છે. ઘણા ખરા કિસ્સાઓમાં ચાઈનીઝ દોરીના કારણે વાહન ચાલકોઍ પોતાનો જીવ પણ ગુમાવ્યો પડ્યો છે. જેને લઇને સુરત પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે કે ચાઈનીઝ દોરી કે ચાઈનીઝ ફાનસનું વેચાણ કરવું નહીં. જોકે, સુરતમાં ઓનલાઈન ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ચારને સલાબતપુરા ,સરથાણા અને ઉધના વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે.
સુરત પોલીસને જીવદયા સંસ્થાના કેટલાક વ્યક્તિઓ દ્વારા માહિતી આપવામાં આવી હતી કે ચાઈનીઝ દોરીનું વેચાણ ઓનલાઇન કરવામાં આવી રહયુ છે. જેને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા સલાબતપુરા અને ઉધના વિસ્તારની અંદર ચાઈનીઝ દોરી વેચનારને ઝડપી પાડ્યા છે. ઓનલાઇન ચાઈનીઝ દોરીનું વેચાણ ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. સોશિયલ મીડિયા ઉપર આ ચાઈનીઝ દોરીના વિક્રેતાઓ પોતાની વેચાણની જાહેરાતો મુકતા હોય છે જેને લઈને ગ્રાહકો સાથે સંપર્ક સરળતાથી થઈ જાય છે.સુરતના સી ડિવિઝનના ઍસીપી ચિરાગ પટેલે જણાવ્યું કે મળેલી માહિતીના આધારે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ કરતા હોય તેવા ચાઈનીઝ દોરીના વિક્રેતાઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ઉધના પોલીસ સ્ટેશનની હદમાંથી ૩૦ ફીરકી પકડાઈ છે અને સલાવતપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી ૨૩ ફીરકી કબજે કરવામાં આવી છે. સરથાણા વિસ્તારમાંથી ૧૦ જેટલી ફીરકીઓ ઝડપી પાડવામાં આવી છે. કુલ ચાર જેટલા આરોપીઓને પણ ચાઈનીઝ દોરી સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.