
સુરતના પુણા પોલીસ મથકની મગોબ ચોકીમાં અરજી બાબતે લોકરક્ષક સાથે હોબાળો કરી ઘરે જઈ પરિવાર સાથે દવા પી ને આપઘાતની ધમકી આપનાર લેબર કોન્ટ્રાકટર અને તેના બિલ્ડર ભાઈ વિરુદ્ધ પુણા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી હતી.
પરવત પાટીયા રેશ્મા રો હાઉસમાં રહેતા અને લેબર કોન્ટ્રાકટર કમલેશ ભુરાભાઈ કાતરીયા ઍ પુણા હરિધામ સોસાયટીમાં રહેતા કમલેશભાઈ ખાગડ વિરુદ્ધ અરજી કરી હોય પુણા પોલીસ મથકની મગોબ ચોકીમાં ફરજ બજાવતા લોકરક્ષક અજયસિંહ ભરતસિંહે કમલેશભાઈ ખાગડને ગત બપોરે નિવેદન લખાવવા બોલાવી તેમને ખુરશીમાં બેસાડી નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી હતી.તેમનું નિવેદન ચાલતું હતું ત્યારે લોકરક્ષક અજયસિંહે અરજી કરનાર કમલેશ કાતરીયાને પણ બોલાવતા તે પોતાના બિલ્ડર ભાઈ ઉમેશભાઈ સાથે ત્યાં આવ્યા હતા.જોકે, કમલેશભાઈ ખાગડને ખુરશી પર બેસેલા જોઈ બિલ્ડર ઉમેશભાઈઍ ઉશ્કેરાઈને લોકરક્ષક અજયસિંહને કહયુ હતું કે તમે પોલીસ કોઈ કામકાજ કરતા નથી, કમલેશભાઇ ખાગડને ખુરશી પર બેસાડો છો, તેની સરખી પૂછપરછ કરતા નથી અને તેમને માર મારતા નથી.મોટેમોટેથી બુમો પાડતા ઉમેશભાઈને અજયસિંહે બુમો પાડવાની ના પાડતા બંને ભાઈઓઍ ગાળાગાળી કરી હતી.આથી અજયસિંહે તેમના વિરુદ્ધ ફરજમાં રૂકાવટની કાર્યવાહીની ચીમકી આપતા બંને ભાઈઓઍ ધમકી આપી હતી કે જો અમારા વિરુદ્ધ કાયદેસર કરશો તો પોલીસ સ્ટેશનથી ઘરે જઈ પરિવાર સાથે દવા પી ને આત્મહત્યા કરી મરી જઈશું.જોકે, અજયસિંહે છેવટે બંને ભાઈ વિરુદ્ધ પુણા પોલીસ મથકમાં ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ભાઈની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.