
સુરત મહાનગરપાલિકાઍ વિકાસની ગતિ વધુ તેજ બનાવવા માટે સુરતમાંથી પસાર થતી તાપી નદી પર ૯૪૧.૭૧ કરોડના ખર્ચે બેરેજ બનાવવાના ટેન્ડર ઍપ્રિલ ૨૦૨૨ માં મંજુર કરી દીધા હતા. આ બેરેજ માટેના ટેન્ડર મંજુર કર્યાના દસ માસ બાદ પાલિકાને બ્રહ્મજ્ઞાન થયું છે કે પાલ- અડાજણ વચ્ચે તાપી નદી પર પહેલા પાળા બનાવવામાં નહીં આવે તો બેરેજના કારણે રેલ ના પાણીથી આ વિસ્તારના લોકોને મુશ્કેલી થશે. જેના કારણે હવે બેરેજના ટેન્ડર મંજુર કરાયાના દસ માસ બાદ હવે પાલિકા તંત્ર સરકાર પાસેથી બે વર્ષમાં પાળા બનાવવા માટે ગ્રાન્ટ માગશે.
સુરત મનપા ના ભાજપ શાસકોઍ મોટા ઉપાડે ૧૯ ઍપ્રિલ ૨૦૨૨ની સ્થાયી સમિતિમાં બેરેજના પ્રોજેક્ટના ટેન્ડર મંજુર કરી દીધા હતા. આ પ્રોજેક્ટ માટે પાર્ટ ઍ અને પાર્ટ બી ની કામગીરી ઉપરાંત બેરેજ અને તેની હાઈડ્રોલિક સિસ્ટમ રોડ, ગાઈડ બંધ, તાપી નદીની ડાબી બાજુ સંલગ્ન ફ્લાય ઓવર બ્રિજ તથા બેરેજની બંને બાજુના રિવર બેડની ઓપરેશન અને મેઈન્ટેનન્સ કામગીરીના ટેન્ડરનો પણ આમા સમાવેશ કરી દીધો હતો.આ ટેન્ડરમાં પાર્ટ ઍની કામગીરીમાં સુચિત કન્વેશન બેરેજ બનાવવા માટે સંબંધિત તમામ પ્રકારની મંજુરી અને તે માટેની જરૂરી તમામ સર્વેના રીપોર્ટની કામગીરી ૬૪.૦૨ કરોડના ખર્ચે કરવાની રહેશે. આ કામગીરી બાદ જો પ્રોજેક્ટની ફીજીબીલીટી નહીં જણાય તો કોન્ટ્રાક્ટ રદ કરવાની કામગીરી કરવાની રહેશે તેવો ઉલ્લેખ ટેન્ડરમાં કરવામા આવ્યો છે.આ ટેન્ડર ઍપ્રિલ ૨૦૨૨ માં મંજુર કર્યા બાદ ભાજપ શાસકોને બ્રહ્મજ્ઞાન થયું છે કે અડાજણ બદરી નાયારણ મંદિરથી પાલ સુધી તાપી નદી પર પાળા બનાવવામાં આવ્યા નથી. જો તે પહેલાં બેરેજની કામગીરી શરુ કરવામા આવે તો રેલના પાણી આ વિસ્તારમાં પાણી ઘુસી શકે તેમ છે. હવે પાલિકાઍ પહેલા વર્ષે ૨૦૦ કરોડ અને બીજા વર્ષે ૨૦૦ કરોડ મળી બે વર્ષમાં ૪૦૦ કરોડ પાળા બનાવવાની કામગીરી માટે ગ્રાન્ટ આપવા માટે વિનંતી કરશે.