કોરોનાને કારણે શહેરમાં છેલ્લાં ૨ વર્ષથી ઘણા તહેવારો, કાર્યક્રમો જેમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ પણ રદ કરવામાં આવ્યો હતો. જો કે આ વર્ષે બે વર્ષ બાદ હવે શહેરમાં છેલ્લાં ૧૮ વર્ષથી યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ફરી ઍકવાર યોજાવા જઈ રહયો છે. જો કે સુરતમાં ૧૦ વર્ષોમાં બહારના દેશોમાંથી પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવનાર લોકોની સંખ્યામાં વધારો થઈ રહયો છે.
કોરોનાના બે વર્ષ બાદ સુરત મનપા દ્વારા સુરતની ઉત્સવપ્રિય જનતા અને પતંગ રસિયાઓ માટે આ વર્ષે ફરી ઍકવાર આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશવિદેશના બાહોશ પતંગબાજોના અવનવા પતંગના પેચ લડાવશે. રિવર ફ્રન્ટ ખાતે યોજાનારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ૧૯ દેશોના પતંગબાજો આવશે. આ સાથે દેશનાં અલગ અલગ રાજ્યો માંથી પણ પતંગબાજો આવશે. સુરતની વાત કરવામાં આવે તો છેલ્લા ૧૮ વર્ષથી ઉજવાતા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં છેલ્લા દસ વર્ષમાં બહારના દેશો માંથી આવતા પતંગબાજોની અને દેશોની સંખ્યામાં વધારો નોંધાયો છે. વર્ષ મુજબ વાત કરવામાં આવે તો વર્ષ ૨૦૧૩માં ૧૯ દેશના ૪૯ જેટલા પતંગબાજોઍ ભાગ લીધો હતો. જ્યારે વર્ષ ૨૦૧૫માં માત્ર ૭ દેશોઍ ભાગ લીધો હતો, જેમાંથી ૨૨ જેટલા પતંગબાજો સુરત ખાતે આવ્યા હતા. જો કે સૌથી વધુ પતંગબાજો વર્ષ ૨૦૧૭ માં બહાર દેશોમાંથી ૫૨ જેટલા આવ્યા હતા અને ત્યારબાદ વર્ષ ૨૦૧૯ માં ૧૬ દેશોમાંથી ૪૯ જેટલા પતંગબાજો સુરત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં સામેલ થયા હતા. સુરતના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ખાસ કરીને આર્જેન્ટિના, બલ્ગેરિયા, ફિનલેન્ડ ક્રોઍશિયા, બેલારૂસ, બ્રાઝીલ, ઇસ્ટોનિયા, કેમરૂન, ઓસ્ટ્રેલીયા, ચિલી, આર્જેન્ટિના, કેનેડા, કંબોડિયા જેવા દેશોમાંથી પતંગબાજો આવતા હોય છે.