રાંદેર પોલીસ મથકની હદમાં આઠ મહિના પહેલા અડાજણ બસ ડેપો નજીક ઍસઍમસીના પે ઍન્ડ યુઝ શૌચાલયમાં ચોકીદારની ઘાતકી હત્યા કરવાના પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચે બે આરોપીઓને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. પૈસાની લેતીદેતીમાં ચોકીદારની હત્યા કરી હોવાની કબૂલાત આરોપીઓઍ કરી છે.
રાંદેર બસ ડેપો નજીક હોપ પુલના છેડે ઍસઍમસીના પે ઍન્ડ યુઝ શૌચાલયમાં તા. ૫-૫-૨૦૨૨ના રોજ રાત્રિના સમયે ચોકીદારની ઘાતકી હત્યા કરાયેલી લાશ તેના રૂમમાંથી મળી આવી હતી. આ અંગે રાંદેર પોલીસે હત્યાનો ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે હત્યામાં સંડોવાયેલા આરોપીઓ હાલ મધ્યપ્રદેશના ધાર જિલ્લાની જેલમાં બંધ છે. આ હકીકતના આધારે ક્રાઇમ બ્રાન્ચની ઍક ટીમ તપાસ અર્થે ત્યાં પહોચી ગઈ હતી. જેલમાં બંધ બંને આરોપીઓની તપાસ કરતા તેઓ ધાડ પાડવાની તૈયારી કરી રહ્ના હતા ત્યારે પોલીસ હાથે પકડાઈ ગયા હતા. હાલ સુરત ક્રાઇમ બ્રાન્ચ તેમનો કબજા લઇ સુરત આવી તેમની પુછપરછ કરતા મધ્યપ્રદેશના ધાર જિલ્લાના છત્રીપાલમાં રહેતો પંકજ ઉર્ફે ગલીયો કૈલાસ રાઠોડ અને મધ્યપ્રદેશના ધાર જીલ્લાના બડા વસતીમાં રહેતો શીવા હિરાલાલ ચૌહાણ હોવાનું જણાવ્યું હતું. પોલીસે બંનેની પૂછપરછ કરતા ચોકીદાર સાથે પૈસાની લેતીદેતીમાં ઝઘડો થયો હતો. તેની અદાવત રાખી મિત્રોની સાથે મળી તેની ઘાતકી હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. આમ સુરત ક્રાઇમ બ્રાન્ચે રાંદેર પોલીસનો વણઉકેલો ગુનો ઉકેલી કાઢ્યો છે. આ પકડાયેલા આરોપીઓ સામે ચોરી, ઘરફોડ, ધાડ પાડવાના અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે. અગાઉ યુપીના અલગ અલગ પોલીસ મથકોમાં બંનેની અનેક ગુનાઓમાં ધરપકડ થઈ ચૂકી છે.