
લિંબાયત વિસ્તારમાં સાડી-લેસના કારખાનામાં સવારે ૮.૩૦ના અરસામાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ફાયર વિભાગે ગણતરીની મિનિટોમાં આગ ઉપર કાબુ મેળવ્યો હતો. શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે.
લિંબાયત ગોવિંદનગરમાં રેનિશ સિન્થેટિક નામનું કારખાનું આવેલું છે. જેના માલિક રમેશભાઈ કે. સાવલિયા અને ઘનશ્યામભાઈ સાવલિયા છે. સોમવારે વહેલી સવારે ૮.૩૦ના અરસામાં ગ્રાઉન્ડ ફલોર પર શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી. ગોડાઉન સાડી અને તેના પર લગાડવામાં આવતી લેસનો જથ્થો ખૂબ જ મોટા પ્રમાણમાં હતો. આગ ગણતરીની મિનિટોમાં જ ત્રણ માળના કારખાનામાં પ્રસરી ગઈ હતી. સાડી માટે જરૂર મટીરીયલ વાપરવામાં આવતો હોય છે તે પેટ્રોલિયમ પદાર્થ હોવાને કારણે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી જતી હોય છે. ખૂબ મોટા પ્રમાણમાં સ્મોક પર નીકળતો હતો. આસપાસના કારખાનેદારોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ બનાવ સંદર્ભે ફાયર બ્રિગેડને જાણ કરતા લાશ્કરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડને પાણીનો મારો ચલાવી આગ કાબુમાં લીધી હતી. આ અંગે
ફાયર ઓફિસર ક્રિષ્ના મોઢે જણાવ્યું કે લિંબાયત વિસ્તારમાં આગ લાગવાની ઘટના બનતાની સાથે જ ડુંભાલ સ્ટેશનની ગાડી અને માન દરવાજા ફાયર વિભાગની ગાડી આગ ઉપર કાબુ મેળવવા પહોંચી હતી. ગોડાઉનના પાછળના સટ્ટરો બંધ હોવાને કારણે સ્મોક ખૂબ જ વધુ હતો. સાંકડી ગલીમાં કારખાનું હોવાને કારણે આગ ઉપર કાબુ મેળવવું પણ ખૂબ મુશ્કેલ થઈ જાય છે. ફાયર ફાઈટરની ગાડીઓને અંદર પ્રવેશવા માટે પણ ભારે જહેમત ઉઠાવી પડે છે. જેમાં સમય પણ ક્યારેક બેડફાઈ જતો હોય છે. ગોડાઉનમાં આગ ઓલવવા જતી વખતે આજે આ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે ગણતરીની મિનિટોમાં જ ઘટના સ્થળ પર પહોંચ્યા બાદ આગ ઉપર કાબુ મેળવી લીધો હતો. આગને કારણે લેસપટ્ટીનો માલ સહિતની ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.