
સુરતમાં શિયાળા દરમિયાન લોકો પોતાના સ્વાસ્થ્યની જાળવણી માટે પાલિકાના ગાર્ડન નો મહત્તમ ઉપયોગ કરે છે પરંતુ શહેરના બે ગાર્ડન પીપીપી મોડલ પર ડેવલપ કરવાના હોવાથી પાલિકા તંત્ર દ્વારા શહેરના અડાજણ અને અઠવા ઝોનના બે ગાર્ડનને ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ સુધી જાહેર જનતા માટે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ બન્ને ગાર્ડનમાં મેન્ટેનન્સની કામગીરી ચાલુ કરવાની હોવાથી આ બન્ને ગાર્ડનમાં જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
સુરત મહાનગરપાલિકાના રાંદેર ઝોનમાં જોગાણી નગર વિસ્તારમાં આવેલા જ્યોતીન્દ્ર દવે ગાર્ડન શિયાળા ઉપરાંત અન્ય ઋતુમાં આ વિસ્તારના લોકો માટે પસંદગીનું સ્થળ છે. શિયાળા દરમિયાન ર્મોનિંગ વોક અને કસરત માટે મોટી સંખ્યામાં આ વિસ્તારના લોકો ગાર્ડનમા વહેલી સવારથી જ આવી જતાં હોય છે. આવી જ રીતે અઠવા ઝોનમાં આવેલા રવિશંકર મહારાજ ઉદ્યાનમાં પણ લોકો મોટી સંખ્યામાં જતાં હોય છે.હાલમાં શિયાળો જામ્યો હોય આ બન્ને ગાર્ડન ઉપરાંત પાલિકાના અન્ય ગાર્ડનમાં લોકો મોટી સંખ્યામાં કસરત માટે જતાં હોય છે.જોકે, હાલમાં પાલિકાના ગાર્ડન પીપીપી ધોરણે આપીને પાલિકાનું આર્થિક ભારણ ઘટાડવા માટેનો પ્રયાસ કર્યો છે તેના ભાગ રુપે પાલિકાના અઠવા ઝોન વિસ્તારમાં આવેલા રવિશંકર મહારાજ ઉદ્યાન અને રાંદેર ઝોન ના અડાજણ વિસ્તારમાં આવેલો જ્યોતીન્દ્ર દવે ઉદ્યાનને પીપીપી મોડલ પર ડેવલપ કરવાનો નિર્ણય કર્યો છે. આ ગાર્ડન ડેવલપ કરવાની કામગીરી આવતીકાલ ૧૮ જાન્યુઆરીથી ૩૧ ડિસેમ્બર ૨૦૨૩ સુધી ચાલે તેવો અંદાજ છે.આ કામગીરી દરમિયાન કોઈ પણ પ્રકારની જાનહાની ન થાય તે માટે આ બન્ને ગાર્ડનમાં આવતીકાલ ૧૮ જાન્યુઆરીથી ૩૧ ડિસેમ્બર ૨૩૦૨૩ સુધી જાહેર જનતાના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. પાલીકા કમિશનર શાલીની અગ્રવાલ દ્વારા ઍક જાહેર નોટીસ પ્રસિધ્ધ કરવામા આવી છે જેમાં આ સમય દરમિયાન પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે આ સમય દરમિયાન કોઈ પ્રવેશ કરે તો તેની સામે પગલાં ભરવાની પણ તાકીદ કરવામાં આવી છે.