
સુરત ક્રાઈમ બ્રાન્ચે મોડી રાત્રે હિમાચલ પ્રદેશથી ચરસ લઈ સુરત સ્ટેશને ટ્રેનમાંથી ઉતરેલા અડાજણના યુવક-યુવતીને રેલવે સ્ટેશન બહારથી ૭૯.૨૪૦ ગ્રામ ચરસ સાથે ઝડપી લીધા હતા.બંનેઍ ચરસ પોતાના ઉપયોગ માટે કુલુ ખાતે બ્રિજ નજીક કેફેની દુકાનવાળા નેપાળી જેવા દેખાતા ચાચા પાસેથી લાવ્યાની કબૂલાત કરી હતી.
સુરત ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે હિમાચલ પ્રદેશથી ચરસ લઈ સુરત સ્ટેશને ટ્રેનમાંથી યુવક-યુવતી આવી રહયા છે. આ હકીકતના આધારે ક્રાઈમ બ્રાન્ચે સુરત રેલવે સ્ટેશનની બહાર વોચ ગોઠવી હતી .ત્યારે સોમવારે રાત્રિના ૮.૩૦ વાગ્યે ચંદીગઢથી ગોવા જતી સંપર્ક ક્રાંતિ ટ્રેન આવ્યા બાદ રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી બહાર નીકળેલા બાતમી મુજબના યુવક-યુવતી નજરે ચઢતા તેમની અટકાયત કરી હતી.ક્રાઈમ બ્રાન્ચે તેમને નજીકની ટ્રાફિક પોલીસ ચોકીમાં લઈ જઈ તેમની બેગની જડતી લેતા બે બેગમાં કપડાં વચ્ચે પ્લાસ્ટીકની બે પારદર્શક ઝીપ બેગમાંથી કુલ ૭૯.૨૪૦ ગ્રામ ચરસનો જથ્થો મળ્યો હતો.પોલીસે તેઓના નામ સરનામાની પુછપરછ કરતા અડાજણ હનીપાર્ક રોડ, હનીપાર્ક સોસાયટીમા રહતો ૨૩ વર્ષિય યશ્રેયાંસ રાકેશભાઈ ગાંધી અને અડાજણ પ્રાઈમ આર્કેડ પાસે શિવમ સોસાયટીમાં રહેતી ૨૦ વર્ષિય પ્રીતિ જીતેન્દ્રભાઈ પટેલ હોવાનુ જણાવ્યુ હતુ.ક્રાઈમ બ્રાન્ચે બનેંની અટકાયત કરી તેમની પાસેથી રૂ.૧૧,૮૮૬ ની મત્તાના ચરસ ઉપરાંત રૂ.૪૫ હજારની મત્તાના બે મોબાઈલ ફોન, રોકડા રૂ.૧૦૮૦ મળી કુલ રૂ.૫૯,૯૯૬ નો મુદ્દામાલ કબજે કરી પુછપરછ કરતા તેમણે ચરસ પોતાના ઉપયોગ માટે કુલુ ખાતે બ્રિજ નજીક કેફેની દુકાનવાળા નેપાળી જેવા દેખાતા ચાચા પાસેથી લાવ્યાની કબૂલાત કરી હતી.ક્રાઈમ બ્રાન્ચે આ અંગે મહિધરપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.