કતારગામમાં ઓનલાઈન ગારમેન્ટ વેપારીના પાર્સલ પરત આપવા આવતા ફ્લીપકાર્ટના ડિલિવરી બોયે ખોટી ઍન્ટ્રી કરી ઓછા પાર્સલ બતાવી રૂ.૩.૫૦ લાખની ઠગાઈ કર્યાની હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોધાઈ છે.
મૂળ અમરેલીના લાઠીના ક્રિષ્ણગઢના વતની અને સુરતમાં કતારગામ સિંગણપોર રોડ શાંતિનગર સોસાયટી વિભાગ ૧માં રહેતા ૩૨ વર્ષીય અલ્પેશભાઈ મધુભાઈ અકબરી કતારગામ ગજેરા સર્કલ પાસે રેડીમેઈડ ગારમેન્ટની દુકાન ધરાવે છે પોતે ગારમેન્ટ બનાવી ઓનલાઈન વિવિધ સાઈટ ઉપર વેચે પણ છે.તેમને ત્યાં ઓર્ડર મુજબ જુદીજુદી કંપનીના ડિલિવરી બોય પાર્સલ લઈ જાય છે અને રિટર્ન પાર્સલ પણ આપી જાય છે.ફ્લીપકાર્ટ કંપનીમાંથી આવતો ડિલિવરી બોય અને નવાગામ ડિંડોલી ચિંતા ચોકમાં રહેતો અભિજીત સાલુંકે તા.૧૦ મી જાન્યુઆરીના રોજ ઍ બપોરે પાર્સલ પરત કરવા આવ્યો ત્યારે અલ્પેશભાઈ અને સ્ટાફ જમતો હોય તેણે રિટર્ન પાર્સલની ઍન્ટ્રી કોમ્પ્યુટરમાં જાતે કરી હતી અને પાર્સલનું ઍક પોટલું આપી નીકળી ગયો હતો. જોકે, અલ્પેશભાઈને શંકા જતા તેમણે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા તો અભિજીત પાર્સલનું ઍક પોટલું સાથે લઈ જતો નજરે ચઢ્યો હતો.તેમણે ઍન્ટ્રી અને પાર્સલ ચેક કર્યા તો પોટલામાં પાર્સલ ઓછા હતા.આથી તેમણે અભિજીત જ્યારથી પાર્સલ લેવા આપવા આવતો હતો તે ૨૪ ડિસેમ્બર ૨૦૨૨ થી ૯ જાન્યુઆરી સુધીના ફૂટેજ ચકાસી પાર્સલ ચેક કર્યા તો તેણે રૂ.૩.૫૦ લાખના ૯૦૦ પાર્સલ ઓછા પરત કર્યા હતા.આ અંગે અલ્પેશભાઈઍ કંપનીના ગોડાઉન મેનેજર આશિષ મિસ્ત્રીને ફોન કરી જાણ કરતા તેમણે તપાસ કરી અભિજીતને ફોન કર્યો તો તેણે જવાબ નહીં આપી બાદમાં ફોન બંધ કરી દીધો હતો.આથી છેવટે અલ્પેશભાઈઍ અભિજીત વિરુદ્ધ કતારગામ પોલીસ મથકમાં ઠગાઈની ફરિયાદ નોંધાવતા પોલીસે અભિજીતની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.