સચીન જીઆઈડીસી વિસ્તારમાંથી પોલીસે બાતમીના આધારે ઓટો રિક્ષામાં પેસેન્જરના સ્વાંગ બેસી મુસાફરોની નજર ચુકવી ખિસ્સામાંથી રોકડ ચોરી કરતી ગેગને ઝડપી પાડી છે. પોલીસે રોકડ અને રિક્ષા મળી ૮૯ હજારની મતા કબજે કરી છે અને બે પોલીસે બે ગુનાનો ભેદ ઉકેલી કાઢી છે.
સચિન જીઆઈડીસીની પોલીસની હદમાં ઉપરાછાપરી રીક્ષામાં બેસેલા પેસેન્જરોના પૈસા ચોરી થયા હોવાની બે ફરિયાદો સામે આવી હતી. જેને લઇને સચિન જીઆઈડીસી પોલીસે અલગ અલગ બે ટીમો બનાવી રીક્ષામાં પેસેન્જરોના રોકડ ચોરતી ગેગને પકડી પડવા માટે કામગીરી શરૂ કરી હતી. પોલીસે સીસીટીવી ફુટેજ અને બાતમીના આધારે ઉન વિસ્તારમાંથી રીક્ષા સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે તેઓની પુછપરછ કરતા ઉન પાટીયા ભીંડી બજારના રેશમાનગરમાં રહેતા આરીફ ઉર્ફે ચા-પાવ ઇકબાલખાન પઠાણ, સરફરાજ ઉર્ફે મુંબઈયા શોઍબ આલમ શેખ, શોઍબ ઉર્ફે બીડી મુનીસ અન્સારી અને વારીસ ગુલામ ખાન હોવાનું જણાયું હતું. પોલીસે તેઓની પાસેથી રોકડા રૂપિયા ૨૯ હજાર અને રીક્ષા મળી કુલ રૂ. ૮૯ હજારની મતા કબજે કરી છે. પોલીસે ચારેયની પૂછપરછ કરતા તા. ૧૨મી જાન્યુઆરીના રોજી બપોરના ત્રણથી સાંજના ૬ વાગ્યા સુધીમાં ઉન ચાર રસ્તાથી લઇ રોડ નં. ૨ સુધીમાં રામપ્રકાશ જ્ઞાનદાસ યાદવ અને દત્તુ દેવા મહાજન નામના બે વ્યક્તિઓને રીક્ષામાં બેસાડી આગળ પાછળ બેસવાનું કહી તેમના ખિસ્સામાંથી કુલ રૂપિયા ૩૫ હજાર ચોરી લીધા હોવાની કબુલાત કરી હતી. આમ સચીન જીઆઈડીસી પોલીસ મથકમાં નોધાયેલા ગુનાનો ભેદ ઉકેલાયો હતો અને પકડાયેલા આરોપીઓ પૈકી આરીફ રીઢો ગુનેગાર છે અને અલગ અલગ પોલીસ મથકોમાં તે પકડાઈ ચુક્યો છે.