કાપોદ્રા હીરાબાગ સર્કલ પાસે રીક્ષામાં મહિલાઓને બેસાડી તેમની નજર ચુકવી દાગીના અને રોકડ ચોરતી ગેગ સામે બે અલગ અલગ ફરિયાદ નોધાઈ છે. આ રીક્ષાચાલક અને તેની બે મહિલા સાગરીતોઍ બે મહિલાઓના બેગમાંથી ૪.૩૦લાખના દાગીના ચોરી કરી ભાગી ગયા હતા.
વરાછા હીરાબાગ રોડ પૂર્વી સોસાયટીમાં રહેતા કેતનભાઈ મનજીભાઈ તેજાણી ડાઇપરના ધંધા સાથે સંકળાયેલા છે. તારીખ ૨૭મી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ સવારના સમયે તેમની માતા વર્ષાબેન ઍક ઓટો રીક્ષામાં બેઠા હતા. રીક્ષાચાલક અને તેની બે મહિલા સાગરીતોઍ વર્ષાબેનને આગળ પાછળ બેસવાનું કહી તેમની બેગમાંથી મંગળસૂત્ર, સોનાની બુટ્ટી, બ્રેસલેટ વગેરે મળી કુલ રૂ. ૩.૬૭ લાખના દાગીના ચોરી લીધા હતા. ત્યારબાદ કાપોદ્રા હીરાબાગ સર્કલ પાસે વર્ષાબેનને ઉતારીને આ ગેગ ભાગી ગઈ હતી. આ ઉપરાંત બીજા બનાવમાં ઉત્રાણ સુમન મંદિર આવાસમાં રહેતા અને કાપડ માર્કેટમાં નોકરી કરતા કિરણભાઈ અશોકભાઈ પાટીલની માતા તા. ૨૦મી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ સવારના સમયે ઍક ઓટો રીક્ષામાં બેઠા હતા. રીક્ષાચાલક અને તેની બે મહિલા સાગરીતોઍ ઉષાબેનના બેગમાંથી રૂપિયા ૬૨ હજારના દાગીના અને રોકડ ચોરી લીધા હતા અને ત્યારબાદ કાપોદ્રા હીરાબાગ સર્કલ પાસે ઉતારીને ભાગી છુટયા હતા. આ બનાવ સંદર્ભે કાપોદ્રા પોલીસે બે અલગ અલગ ફરિયાદના આધારે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.